અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હવે લાંબી રાહ નહીં, રોજના 4,600થી વધુ સ્લોટ, વેઈટિંગ પિરિયડ ઘટ્યો

Gujarat RTO Driving Test: ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે RTOમાં ટેસ્ટની એપોઈન્ટમેન્ટ લેવામાં અરજદારોને લાંબી રાહ જોવી પડતી હોવાની ફરિયાદો વચ્ચે રાજ્ય સરકારે ટેસ્ટના દૈનિક સ્લોટમાં વધારો કર્યો છે. ટેસ્ટનો સમયગાળો લંબાવવા, વધારાની શિફ્ટ શરૂ કરવા અને બેકલોગ ઘટાડવા માટે હાથ ધરાયેલા પગલાંને કારણે હવે અરજદારોનો વેઈટિંગ પિરિયડ ઘટ્યો છે. અગાઉ રોજની આશરે 3,000 LMV ટેસ્ટ એપોઈન્ટમેન્ટની ક્ષમતા હતી, જે વધારીને હવે 4,600થી વધુ કરવામાં આવી છે. સરેરાશ વેઈટિંગ પિરિયડ પણ ઘટીને આશરે 15 દિવસ થયો છે.

રોજના 4,600થી વધુ LMV ટેસ્ટ સ્લોટ

લાઈટ મોટર વ્હીકલ (LMV) એટલે કે કાર સહિતનાં હળવાં મોટર વાહનોની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે સપ્ટેમ્બરમાં રોજની આશરે 3,000 એપોઈન્ટમેન્ટની ક્ષમતા હતી. બંદરો અને વાહનવ્યવહાર વિભાગે ટેસ્ટના દૈનિક ક્વોટા, સ્લોટ અને શિફ્ટમાં ફેરફાર કરીને આ ક્ષમતા વધારીને 4,600થી વધુ કરી છે. હાલમાં રાજ્યની 32 RTO અને ARTO કચેરીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમ (ADTS) કાર્યરત છે.

સપ્ટેમ્બરમાં 96,576 ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાયા

સપ્ટેમ્બર-2026ના કામગીરી અહેવાલ મુજબ રાજ્યની 28 કચેરીઓમાં કુલ 96,576 ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. તેમાં 56,451 ટુ-વ્હીલર અને 40,125 LMV ટેસ્ટનો સમાવેશ થાય છે. તમામ ટેસ્ટનો સરેરાશ સફળતા દર 55.05 ટકા રહ્યો હતો. ટુ-વ્હીલર ટેસ્ટમાં 78.49 ટકા અરજદારો સફળ થયા હતા, જ્યારે LMV ટેસ્ટમાં સફળતાનો દર માત્ર 22.07 ટકા નોંધાયો હતો. બેકલોગ ઘટાડવા માટે 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરની જાહેર રજાઓ દરમિયાન પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભૂજ, પાલનપુર, નડિયાદ, વસ્ત્રાલ, ગાંધીનગર અને પાટણ સહિતનાં 10 કેન્દ્રો પર ડ્રાઈવિંગ ટેસ્ટ યોજવામાં આવ્યા હતા. વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને ભૂજની કચેરીઓમાં બીજી શિફ્ટમાં પણ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

પાર્કિંગ ટેસ્ટમાં સફળતાનો દર 41 ટકા થયો

AI આધારિત ટેસ્ટ ટ્રેક પર પાર્કિંગ ટેસ્ટ દરમિયાન અનેક અરજદારો નિષ્ફળ જતા હોવાની બાબતને ધ્યાનમાં રાખીને વિભાગે ખાસ ફેરફાર કર્યો છે. રાજ્યનાં 10 RTO કેન્દ્રો પર પાર્કિંગ બોક્સની આસપાસ રિફ્લેક્ટિવ પોલ લગાવવામાં આવ્યા છે. દરેક પાર્કિંગ બોક્સની ચારેય બાજુ આઠ પોલ ગોઠવવામાં આવ્યા છે. આ ફેરફાર બાદ પાર્કિંગ ટેસ્ટમાં સફળતાનો દર 29.8 ટકાથી વધીને 41 ટકા થયો છે. અરજદારોને ટેસ્ટ દરમિયાન વધુ સ્પષ્ટ માર્ગદર્શન મળે તે માટે સાઈનબોર્ડ અને લાઈવ ટાઈમર ડિસ્પ્લે લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેસ્ટ ટ્રેકનું સંચાલન કરતી એજન્સીને વીડિયો એનાલિટિક્સ, માન્ય ભૂલ મર્યાદા, ટેસ્ટનો સમયગાળો અને અંતિમ મૂલ્યાંકનનાં માપદંડોની સમીક્ષા કરવા જણાવાયું છે.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં નવા ટેસ્ટ ટ્રેક બનશે

ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની સુવિધાઓ વધારવાના ભાગરૂપે અમદાવાદમાં નવા ટેસ્ટ ટ્રેકની ડિઝાઈનને મંજૂરી મળી ગઈ છે. સુરતના મસમામાં વધારાનો ટેસ્ટ ટ્રેક 15 નવેમ્બર સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. જ્યારે રાજકોટમાં બીજા ટેસ્ટ ટ્રેકનું કામ ફેબ્રુઆરી-2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા અને થરાદમાં વધારાના ટેસ્ટ ટ્રેક બનાવવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. વસ્ત્રાલ અને ગાંધીનગરમાં પણ નવા ટ્રેકની શક્યતા અંગે અભ્યાસ ચાલી રહ્યો છે. અરજદારો ટેસ્ટ પહેલાં પૂરતી પ્રેક્ટિસ કરી શકે તે માટે જાહેર રજાઓના દિવસે પણ ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવાની વિચારણા ચાલી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

 

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નજીકની RTOમાં ટેસ્ટ આપવાનો વિકલ્પ મળશે

વાહનવ્યવહાર વિભાગ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે મળીને ક્લસ્ટર આધારિત ટેસ્ટિંગ વ્યવસ્થા વિકસાવી રહ્યો છે. આ વ્યવસ્થા અમલમાં આવશે તો અરજદારોને માત્ર પોતાની નિયત RTO કે ARTO કચેરી પર જ આધાર રાખવો નહીં પડે. તેઓ નજીકની અન્ય કચેરીમાં ઉપલબ્ધ સ્લોટ પસંદ કરીને પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

વેઈટિંગ પિરિયડ 60 દિવસથી ઘટીને 15 દિવસ થયો

અગાઉ રાજ્યની છ મુખ્ય RTO કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે 16 દિવસથી લઈને 60 દિવસ કરતાં પણ વધુ રાહ જોવી પડતી હતી. હવે વિવિધ પગલાંના પરિણામે વેઈટિંગ પિરિયડ ઘટીને શૂન્યથી 40 દિવસની વચ્ચે રહ્યો છે. સરેરાશ રાહ જોવાનો સમય આશરે 15 દિવસ થયો છે. જોકે હજુ પણ બે કચેરીઓમાં અરજદારોને 60 દિવસથી વધુ રાહ જોવી પડે છે. આ કચેરીઓમાં ડબલ શિફ્ટ શરૂ કરવા અને નવા ટેસ્ટ ટ્રેક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આગામી સમયમાં આ સુવિધાઓ વધવાથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની રાહ જોતા અરજદારોને વધુ રાહત મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દિવાળીની રાત્રે આગની ઘટનાઓથી ફાયર બ્રિગેડ દોડ્યું, 12 કલાકમાં 126 કોલ
Back to top button