ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ફટાકડાની ચિંગારી મુદ્દે લોહિયાળ જંગ, સુરતમાં યુવકની હત્યા; બે ભાઈઓની ધરપકડ

Surat News :દિવાળી પર્વના આનંદ-ઉલ્લાસ વચ્ચે સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે થયેલ તકરાર હત્યાકાંડમાં પરિણમતાં ભારે ચકચાર મચી ગઈ છે. લિંબાયત સ્થિત વૃંદાવન સોસાયટીમાં ફટાકડાની ચિંગારી ઘરના ઓટલા પર પડવા જેવા સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલીમાં 23 વર્ષીય યુવક વિકાસ ઉર્ફે નેપાલીની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ હિંસક હુમલામાં યુવકને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર અને મિત્રના પિતા પર પણ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનારા બંને સગા ભાઈઓને દબોચી લીધા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓટલા પર ચિંગારી પડવા જેવી સામાન્ય તકરારે ધારણ કર્યું હિંસક સ્વરૂપ

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ગત 8 નવેમ્બરની મોડી રાત્રે આશરે 11:30 વાગ્યાના અરસામાં ફરિયાદી ચંદ્રકલા યાદવનો પુત્ર વિકાસ ઉર્ફે નેપાલી પોતાના મિત્રો આદર્શ, મંજીત, ભોલા અને સુનીલકુમાર ઉર્ફે લલ્લુ સાથે ક્રિષ્નાનગર સોસાયટીના નાકે ફટાકડા ફોડી રહ્યો હતો. તે દરમિયાન ફટાકડાની તણખા-ચિંગારી વૃંદાવન સોસાયટીમાં રહેતા નિલેશ અને પંકજ મોર્યાના ઘરના ઓટલા પર પડતાં બંને ભાઈઓ ઉશ્કેરાઈને બહાર દોડી આવ્યા હતા. ફટાકડા ફોડવા બાબતે શરૂ થયેલી ઉગ્ર બોલાચાલી જોતજોતામાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.

બચાવવા આવેલા મિત્ર અને તેના પિતા પર પણ હુમલો

આરોપીઓએ વિકાસનો કોલર પકડી હુમલો કરતાં મિત્ર સુનીલકુમાર ઉર્ફે લલ્લુ તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો, જેને આરોપીઓએ નીચે પાડી દેતાં મોઢાના ભાગે ઈજા પહોંચી હતી. પુત્ર સાથે ઝઘડો થતો જોઈ સુનીલના પિતા વચ્ચે પડતાં આવેશમાં આવેલા નિલેશે તેમના ખભાના ભાગે ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. ત્યારબાદ પંકજે વિકાસને મજબૂત પકડી રાખ્યો હતો અને નિલેશે ચપ્પુ વડે સીધો વિકાસ પર વાર કરવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસને બચાવવા મિત્ર આદર્શ મિશ્રાએ ચપ્પુ પકડી લેતાં તેનો હાથ કપાઈ ગયો હતો. જોકે, પંકજે આદર્શને મુક્કો મારી નીચે પાડી દીધા બાદ નિલેશે વિકાસના ડાબા પડખામાં ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસે ગણતરીના કલાકોમાં બંને હત્યારા ભાઈઓને દબોચ્યા

હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વોચ ગોઠવીને પોલીસે હત્યામાં સંડોવાયેલા બંને આરોપી ભાઈઓ નિલેશ જયપ્રકાશ મોર્યા (ઉં.વ. 23) અને પંકજ જયપ્રકાશ મોર્યા (ઉં.વ. 26)ને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

આ પણ વાંચો:  દિવાળીની ઉજવણી બાદ અમદાવાદમાં પ્રદૂષણનો કહેર, AQIના આંકડા ચોંકાવનારા

મૃતક વિકાસ ઉર્ફે નેપાલી સામે 13 ગુના અને 3 પાસાનો ઇતિહાસ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાનો ભોગ બનેલો વિકાસ ઉર્ફે નેપાલી પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતો હતો. તેની સામે લિંબાયત સહિતના પોલીસ સ્ટેશનોમાં મારામારી, ધમકી, ગેરકાયદે હથિયાર અને પ્રોહિબિશન એક્ટ સહિતના કુલ 13 જેટલા ગંભીર ગુના નોંધાયેલા હતા અને અગાઉ તેની સામે ત્રણ વખત પાસા (PASA) હેઠળ પણ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. હાલ લિંબાયત પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓ સામે આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:‘ફટાકડા ફોડનારાઓને જેલમાં પૂરો’! પ્રદુષણ સામે ઉર્ફી જાવેદ અને ભૂમિ પેડનેકરે વ્યક્ત કર્યો રોષ

Back to top button