ગુજરાત

શાહઆલમમાં ફટાકડા ફોડવા બાબતે યુવક પર છરીથી હુમલો, સળગતો ફટાકડો મિત્રો પર ફેંકતા મામલો વણસ્યો

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં દિવાળીના પાવન અને ઉત્સવના માહોલ વચ્ચે પણ અસામાજિક તત્વો અને નજીવી બાબતોમાં થતી બબાલના કારણે હિંસક બનાવો સામે આવ્યા છે. દિવાળીના પર્વ દરમિયાન શહેરના શાહઆલમ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય તકરારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે બીજી એક ઘટનામાં એલિસબ્રિજ વિસ્તારમાં દારૂના નશામાં ધૂત શખ્સોએ સામાન્ય બોલાચાલી બાદ યુવકના ખભા પર ધારિયું ઝીંકી દીધું હતું. આ બંને ગંભીર બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુના નોંધીને ફરાર આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે.

શાહઆલમમાં ફટાકડા ફેંકવાની તકરાર બની ખૂની ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, શાહઆલમ વિસ્તારમાં રહેતા મહંમદહનીફ કાળુભાઈ શેખ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત દિવાળીની રાત્રે તેઓ ઘરે ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના પર પાડોશમાંથી ફોન આવ્યો હતો કે તેમના પુત્ર ઝૈદ સાથે ઝઘડો થયો છે. જેથી દંપતી તાત્કાલિક જીતુ ભગત કમ્પાઉન્ડના ગેટ પાસે પહોંચ્યું હતું. ત્યાં શાહઆલમ ગુજરાત ટુડે પ્રેસની બાજુમાં રહેતો ઉમેર, તેની માતા અને બહેન ઝૈદ સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા ઉમેરે અચાનક ઝૈદ પર છરીથી હુમલો કરી દીધો હતો, જેના કારણે ગંભીર ઈજા પામેલો ઝૈદ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો.

સળગતો ફટાકડો મિત્રો પર ફેંકતા મામલો વણસ્યો

આ હુમલો કર્યા બાદ ઉમેર, તેની માતા અને બહેન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત ઝૈદને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ઝૈદે જણાવ્યું હતું કે તે મિત્ર મોઇન સાથે પાપા મિંયાની દરગાહ પાસે ઊભો હતો ત્યારે આરોપી ઉમેર ત્યાં ફટાકડા ફોડીને તેમના પર ફેંકતો હતો. બે-ત્રણ વાર ના પાડવા છતાં તે ન માન્યો અને સીધો સળગતો ફટાકડો ફેંકતા ગુસ્સે ભરાયેલા ઝૈદે તેને બે-ત્રણ લાફા મારી દીધા હતા. આ જ વાતની અદાવત રાખીને ઉમેરે પોતાની માતા અને બહેનને બોલાવીને આ લોહિયાળ હુમલો કરાવ્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

એલિસબ્રિજ પાસે દારૂના નશામાં ધૂત શખ્સોનો આતંક

અમદાવાદમાં બનેલી બીજી એક ઘટનામાં, ઘીકાંટા વિસ્તારમાં રહેતો અને સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો સુરજ સમંતા ગત 7 નવેમ્બરના રોજ પોતાના મિત્રો પ્રફુલ અને જૈમીન સાથે કર્ણાવતી ક્લબ પાસે નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો પતાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે એલિસબ્રિજ નજીક દારૂના નશામાં ધૂત બે અજાણ્યા શખ્સોએ તેમની સાથે ચાલુ વાહને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. સુરજે આનો વિરોધ કરતા બંને શખ્સોએ પોતાના વાહનો રોકીને ત્રણેય મિત્રો સાથે ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો અને ફોન કરીને અન્ય એક સાગરીતને પણ બોલાવી લીધો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ ત્રણેય શખ્સોએ ભેગા મળીને સુરજ, પ્રફુલ અને જૈમીન પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સુરજના ખભા પર ધારિયું ઝીંકી દેવામાં આવ્યું હતું, પ્રફુલના માથામાં ઈંટ મારી હતી અને જૈમીનને પણ મૂઢ માર મારવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત સુરજ અને પ્રફુલને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: ફટાકડા બાબતે પથ્થરમારો કરનારા ઝડપાયા, 7 આરોપીનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

Back to top button