અમદાવાદમાં દીપડાની યાદગીરી હવે દીવાલ પર કંડારાઈ, 4 મહિના જૂની ઘટનાને સોસાયટીએ બનાવી કાયમી યાદ

Ahmedabad Leopard: અમદાવાદ જેવા મહાનગરમાં રહેણાક સોસાયટીની અંદર દીપડો ઘૂસી આવે તો સ્વાભાવિક રીતે લોકોમાં ગભરાટ ફેલાઈ જાય. આવું જ કંઈક આ વર્ષે જુલાઈ મહિનામાં ઘુમા વિસ્તારમાં આવેલી સેરેનદીપ મેન્શન્સ સોસાયટીમાં બન્યું હતું. દીપડાએ સોસાયટીની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને રસ્તાઓ પર આંટાફેરા કર્યા હતા. આ ઘટનાથી લગભગ એક અઠવાડિયા સુધી રહીશોમાં ભયનો માહોલ રહ્યો હતો. જોકે હવે ચાર મહિના બાદ આ જ ઘટનાને સોસાયટીના રહીશોએ અનોખી રીતે કાયમી યાદગીરીમાં ફેરવી દીધી છે. સોસાયટીમાં દીપડાનું ફાઈબરનું ભીંતચિત્ર બનાવવામાં આવ્યું છે, જે આ દુર્લભ ઘટનાની યાદ અપાવશે.
20 જુલાઈએ વહેલી સવારે દીપડો ઘૂસ્યો હતો સોસાયટીમાં
ઘુમા વિસ્તારમાં એસપી રિંગ રોડ નજીકના વીઆઈપી રોડ પર આવેલી સેરેનદીપ મેન્શન્સમાં 20 જુલાઈના રોજ વહેલી સવારે લગભગ બે વાગ્યે દીપડો જોવા મળ્યો હતો. સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયેલા દૃશ્યોમાં દીપડો સોસાયટીની દીવાલ કૂદીને અંદર પ્રવેશતો અને સોસાયટીના રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે અનેક ટીમો તહેનાત કરી હતી. દીપડાને શોધવા માટે થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં પાંચ જેટલાં પાંજરાં પણ ગોઠવવામાં આવ્યાં હતાં. જોકે દીપડો સોસાયટીમાં માત્ર સાત મિનિટ રોકાયા બાદ બહાર નીકળી ગયો હતો. ત્યાર બાદ તે નજીકમાં બાવળથી ઘેરાયેલા જંગલ વિસ્તાર તરફ જતો રહ્યો હતો. અનેક દિવસોની શોધખોળ છતાં દીપડો પકડાયો નહોતો. માનવામાં આવે છે કે તે પોતાના કુદરતી રહેઠાણમાં પાછો ફર્યો હતો.
ભયને યાદગીરીમાં ફેરવવાનો રહીશોનો નિર્ણય
સોસાયટીના રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ ગૌરાંગ શાહના જણાવ્યા અનુસાર અમદાવાદ જેવા શહેરની રહેણાક સોસાયટીમાં દીપડો ઘૂસી આવે તે અત્યંત દુર્લભ ઘટના છે. શરૂઆતમાં આ ઘટનાથી તમામ રહીશો ગભરાઈ ગયા હતા, પરંતુ બાદમાં આ ક્ષણને કાયમી યાદગાર બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ ઘટનાના કારણે સોસાયટીનું નામ પણ લોકોમાં જાણીતું બન્યું હતું. તેથી દીપડાના આગમનની આ ઘટનાને સોસાયટીની ઓળખનો એક ભાગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જ્યાંથી દીપડો આવ્યો, ત્યાં જ બનાવાયું ભીંતચિત્ર
આ અનોખા પ્રોજેક્ટ માટે અમદાવાદનાં વ્યાવસાયિક ભીંતચિત્ર કલાકાર પાનેરી શાહની પસંદગી કરવામાં આવી હતી. તેમણે સોસાયટીના ક્લબ હાઉસ નજીક દીપડાનું ફાઈબરનું ભીંતચિત્ર તૈયાર કર્યું છે. ખાસ વાત એ છે કે દીપડો જે સ્થળે દીવાલ કૂદીને સોસાયટીમાં પ્રવેશ્યો હતો, એ જ સ્થળે આ ભીંતચિત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે.
કલાકાર પાનેરી શાહના જણાવ્યા અનુસાર દીપડાના શરીરના સ્નાયુઓ સહિતની વિવિધ વિગતોને માટીમાંથી હાથેથી આકાર આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનું મોલ્ડ તૈયાર કરીને ફાઈબરની મદદથી અંતિમ રચના બનાવવામાં આવી હતી. ફાઈબરનો ઉપયોગ કરવાથી ભીંતચિત્ર મજબૂત, હળવું અને લાંબા સમય સુધી બહારના વાતાવરણમાં ટકી શકે તેવું બન્યું છે. શરૂઆતમાં દીપડો જે દીવાલ પર જોવા મળ્યો હતો ત્યાં જ ભીંતચિત્ર બનાવવાની વિચારણા થઈ હતી, પરંતુ વન વિભાગની કામગીરીને કારણે પ્રોજેક્ટ અટકાવવો પડ્યો હતો. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ રહીશો અને કલાકાર ફરી મળ્યા હતા અને અંતે દીપડો જ્યાંથી સોસાયટીમાં પ્રવેશ્યો હતો તે જ સ્થળે તેની આકૃતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
105 બંગલાની સોસાયટી બની ચર્ચાનું કેન્દ્ર
ઘુમા વિસ્તારમાં આવેલી સેરેનદીપ મેન્શન્સમાં કુલ 105 બંગલા છે. આ બંગલાઓનું ક્ષેત્રફળ 350થી 1,500 ચોરસ યાર્ડ સુધીનું છે. સોસાયટીના રહીશ અને અમદાવાદની એક સોફ્ટવેર કંપનીના સહસ્થાપક તથા અધ્યક્ષ પ્રણવ પંડ્યાએ જણાવ્યું કે દીપડો સોસાયટીમાં આવ્યો ત્યારે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે બાદમાં સૌએ સ્વીકાર્યું કે આવી ઘટનાઓ બની શકે છે. દીપડો શરમાળ પ્રાણી છે અને તેની સાથે પણ સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ઉલ્લેખનીય છે કે દીપડાની વસ્તીની દૃષ્ટિએ ગુજરાત દેશનાં અગ્રણી રાજ્યોમાં સામેલ છે. વર્ષ 2023ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં કુલ 2,274 દીપડા નોંધાયા હતા. શહેરી વિસ્તારોની આસપાસ દીપડાની હાજરી અને માનવ વસાહતોમાં તેમના પ્રવેશની ઘટનાઓ વન્યજીવ અને માનવ વસાહત વચ્ચેના બદલાતા સંબંધો તરફ પણ ધ્યાન દોરે છે. જુલાઈમાં જે દીપડાના આગમનથી સોસાયટીમાં ભય ફેલાયો હતો, તે જ દીપડો હવે સેરેનદીપ મેન્શન્સની દીવાલ પર કાયમી યાદગીરી બની ગયો છે. એક સમયે રહીશોને ડરાવનારી ઘટના હવે સોસાયટીની અનોખી ઓળખ બની ગઈ છે.











