ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યો ભંગ, 17 ઝડપાયા

સુરત, તા. 19 ઓક્ટોબર, 2025: સુરતના પોશ વેસુ વિસ્તારમાં પોલીસે એક હાઈ-પ્રોફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. વેસુ પોલીસ સ્ટેશનની ટીમે આગમ વર્લ્ડની સામે આવેલા મંગલમ પેલેસની ૧૧મી મંજિલ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર દરોડો પાડી ૧૭ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકોમાં શહેરના વેપારીઓ, સરકારી કર્મચારીઓ અને અભ્યાસ કરતા યુવાનોનો સમાવેશ થાય છે.

દરોડા અને ઝડપાયેલો મુદ્દામાલ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે વેસુ વિસ્તારના એક ફ્લેટમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. માહિતી મળતાં જ વેસુ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો હતો. દરવાજો ખુલતાં જ પોલીસે ફ્લેટમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં 17 લોકો પાર્ટી કરતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, સ્નેક્સ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.

પોલીસને દરોડા દરમિયાન 750 મિલીલીટરની સ્કોચ વ્હિસ્કીની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. આ ઉપરાંત, બે ખાલી બોટલો, છ પ્લાસ્ટિકના ગ્લાસ, બિંગો ચિપ્સ, તીખી સેવ અને ગાંઠિયાના ત્રણ પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. દારૂ, ખાલી બોટલો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત કુલ જપ્ત કરાયેલા માલસામાનની કિંમત ₹ 5.18 લાખથી વધુ આંકવામાં આવી છે.

પાંચ લોકોનો રિપોર્ટ પોઝિટિવ

પોલીસે તમામ ૧૭ આરોપીઓને મેડિકલ તપાસ માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પાંચ લોકો – આદિત્ય રસિકભાઈ ગોસ્વામી, વિવેક સુરેશભાઈ મનાની, દીપેન પ્રતાપગીરી ગોસ્વામી, ભૈરવ અરુણકુમાર દેસાઈ અને દર્શન ભાવેશભાઈ ચોકસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે બાકીના ૧૨ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તમામ ૧૭ લોકો વિરુદ્ધ દારૂ પીવા અને ગેરકાયદેસર દારૂ રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

દારૂ સપ્લાયર ફરાર

ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોટાભાગના યુવાનો છે, જેઓ વેસુ, અલથાણ, પાલનપુર પાટિયા, સિટી લાઇટ, અડાજણ અને નાનપુરા જેવા પ્રતિષ્ઠિત વિસ્તારોના રહેવાસી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પાર્ટી માટે દારૂની સપ્લાય રચીત રાજીવ ખટોર નામના વ્યક્તિએ કરી હતી, જે હાલમાં ફરાર છે. પોલીસ હવે આ વોન્ટેડ સપ્લાયરની સઘન શોધખોળ કરી રહી છે અને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તે અંગે પણ તપાસ કરી રહી છે.

Back to top button