સ્પોર્ટ્સ

પ્રસિદ્ધ કૃષ્ણાની ધમાકેદાર વાપસી: ઇજામાંથી પરત ફરતા જ પહેલા સ્પેલમાં ઝડપી 2 ઘાતક વિકેટ

India A vs New Zealand A 3rd Test: ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણીમાં ‘ઇન્ડિયા એ’ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે આ શ્રેણીમાં સતત બીજી સદી ફટકારીને પોતાના ફોર્મમાં વાપસીના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. આ દરમિયાન, ઇજાના કારણે લાંબા સમયથી મેદાનથી બહાર રહેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ ધમાકેદાર વાપસી કરીને પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે.

સાઈ સુદર્શન અને કેપ્ટન ધ્રુવ જુરેલની ફિફ્ટી

લિંકન ખાતે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ પર ‘ઇન્ડિયા એ’ ટીમે પોતાની પકડ અત્યંત મજબૂત બનાવી લીધી છે. વરસાદથી પ્રભાવિત પહેલા દિવસની રમત બાદ બીજા દિવસે પણ ભારતીય બેટર્સનો દબદબો જોવા મળ્યો હતો. પ્રવાસની શરૂઆતમાં નબળા દેખાવ બાદ યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરતા 102 રનની સદી ફટકારી હતી. જ્યારે બી. સાઈ સુદર્શને 88 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, કેપ્ટન ધ્રુવ જુરેલે 95 બોલમાં 71 રન બનાવીને ટીમની ઇનિંગને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદરની અણનમ ભાગીદારી

મધ્યમ ક્રમમાં બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ પોતાની કુશળતા સાબિત કરતા ફિફ્ટી ફટકારી હતી. તિલકે વોશિંગ્ટન સુંદર સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 114 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. તિલક વર્મા 81 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પણ શાનદાર 50 રનનું યોગદાન આપ્યું હતું. આ શાનદાર બેટિંગના સહારે ‘ઇન્ડિયા એ’ ટીમે 5 વિકેટે 464 રનનો વિશાળ સ્કોર બનાવીને પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસી અને જસપ્રીત બુમરાહની કસાયેલી બોલિંગ

વિશાળ સ્કોરના જવાબમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડ A ની ટીમ સામે ભારતીય બોલરોએ તરત જ સકંજો કસી લીધો હતો. ડાબા હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈને પરત ફરેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાના પહેલા જ સ્પેલમાં ત્રાટકીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધે રીસ માર્યુ અને કર્ટિસ હીપીને આઉટ કરીને ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપને હચમચાવી દીધી હતી. તેણે માત્ર 5 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, આ પ્રવાસમાં પ્રથમવાર રમી રહેલા અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ પણ કસાયેલી બોલિંગ કરતા 6 ઓવરમાં માત્ર 11 રન આપ્યા હતા. બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ન્યૂઝીલેન્ડ A ટીમ 2 વિકેટે માત્ર 36 રન જ બનાવી શકી હતી, અને ભારત હજુ પણ 428 રનથી આગળ છે.

આ પણ વાંચો: કોણ છે અર્જૂન રાજપૂત? જેણે પાકિસ્તાન સામે સદી ફટકારી મચાવી ધૂમ, ભાવુક કરી દેશે સંઘર્ષની કહાણી

Back to top button