2018ના બોલ ટેમ્પરિંગ કાંડમાં આખી ટીમને હતી જાણ? ખ્વાજાના દાવા પર પૂર્વ કોચનો મોટો ખુલાસો!

Usman Khawaja Book ‘Patience’ Sandpapergate Claims: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રકરણ એવા 2018 ના કેપટાઉન સેન્ડપેપર બોલ-ટેમ્પરિંગ કૌભાંડ અંગે આઠ વર્ષ બાદ ફરી એકવાર ખેલ જગતમાં વિવાદ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ ઓપનર ઉસ્માન ખ્વાજાની આત્મકથા ‘પેશિયન્સ’ ના લોન્ચિંગ અગાઉ તેમાં કરાયેલા કેટલાક ચોંકાવનારા દાવાઓએ ભારે ખળભળાટ મચાવ્યો છે. ખ્વાજાએ દાવો કર્યો હતો કે કેપટાઉન ટેસ્ટ દરમિયાન આખી ઓસ્ટ્રેલિયન ટીમના ડ્રેસિંગ રૂમમાં બોલ સાથે છેડછાડના કાવતરા અંગે તમામ ખેલાડીઓને અગાઉથી જાણ હતી. જોકે, તે સમયના ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ ડેરેન લેહમેને ખ્વાજાના આ દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે સેન્ડપેપરના ઉપયોગ અંગે દરેક સભ્ય જાણતો હતો તેવી વાત સંપૂર્ણપણે પાયાવિહોણી છે.
“બોલ-ટેમ્પરિંગ 150 વર્ષથી ચાલે છે પણ સેન્ડપેપરની ખબર દરેકને નહોતી”
ડેરેન લેહમેને ખ્વાજાના પુસ્તકના પ્રકાશન પહેલાં મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે સેન્ડપેપર પ્લોટ અંગે તેમની પાસે મર્યાદિત માહિતી હતી અને તેઓ માત્ર એટલું જ કહી શકે છે જે તેમણે પોતે વ્યક્તિગત રીતે અનુભવ્યું હોય. કેપ ટાઉન ટેસ્ટ દરમિયાન ટીમના ઇન્ચાર્જ તરીકે રહેલા લેહમેને જણાવ્યું કે ક્રિકેટ જગતમાં બોલની સ્થિતિ બદલવી અને રફ કરવો એ 150 વર્ષથી ચાલી આવતી સામાન્ય ઘટના છે, પરંતુ કેમેરોન બેનક્રોફ્ટ કઈ ચોક્કસ પદ્ધતિથી આ કામ કરી રહ્યો હતો તે અંગે સૌને ખ્યાલ નહોતો. તેમણે ઉમેર્યું, “હું માત્ર તે જ બોલી શકું છું જે હું જાણું છું. બોલ ટેમ્પરિંગ ભૂતકાળમાં ક્રિકેટનો એક ભાગ રહ્યો છે, પરંતુ સેન્ડપેપરનો ઉપયોગ કરાશે તેની જાણ દરેકને નહોતી. આ ભૂલ બદલ અમે અગાઉ જ ભારે કિંમત ચૂકવી ચૂક્યા છીએ.”
ખ્વાજાના સામૂહિક જવાબદારીના દાવા પર સવાલો
ઉલ્લેખનીય છે કે માર્ચ 2018 માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમેરોન બેનક્રોફ્ટ બોલને ઘસવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરતા કેમેરામાં પકડાયો હતો. આ ઘટના બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કડક તપાસ હાથ ધરીને બેનક્રોફ્ટ, તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ-કેપ્ટન ડેવિડ વોર્નરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે કોચ ડેરેન લેહમેને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ખ્વાજાએ પુસ્તકમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઘટના બાદ બેનક્રોફ્ટે ટીમના સભ્યો સાથે વાત કર્યા પછી આખી ટીમે સામૂહિક જવાબદારી લેવાની ઓફર કરી હતી. જોકે, લેહમેને કહ્યું કે તેઓ આવી કોઈ વાતચીતની પુષ્ટિ કરી શકતા નથી, કારણ કે તે સમયે ડ્રેસિંગ રૂમ વહેંચાયેલા હતા અને તેઓ પોતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથે બેઠકોમાં વ્યસ્ત હતા.
“પુસ્તકો વેચવા માટે જુના જખમો ઉઝેડવામાં આવી રહ્યા છે”
આ ઘટનાના આઠ વર્ષ બાદ ફરીથી આ કૌભાંડ પર ચર્ચા શરૂ થતાં લેહમેને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કૌભાંડ પછીના સમયગાળાને પોતાના જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો ગણાવ્યો હતો. લેહમેને કહ્યું, “ઘટના પછીના તે 2 અઠવાડિયા અત્યંત દર્દનાક હતા. હું આશરે 4 મહિના સુધી મારા ઘરની બહાર નીકળી શક્યો નહોતો અને અત્યંત ખરાબ માનસિક સ્થિતિમાં હતો. ઘટનાના 8 વર્ષ પછી માત્ર એક પુસ્તક વેચવા માટે આ બાબતો ફરી સામે લાવવી એ અલગ વાત છે. આનાથી ખેલાડીઓ અને તેમના પરિવારો ફરીથી એ જ ખરાબ દિવસોમાં ધકેલાઈ જાય છે. હું મારા જીવનમાં આગળ વધી ગયો છું.” તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે આરોપો જાહેર કરતા પહેલા ખ્વાજાએ તેમનો કે પેટ કમિન્સ જેવા કોઈ અન્ય ખેલાડીઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો નહોતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
“અમારી તપાસની પ્રામાણિકતા પર સંપૂર્ણ વિશ્વાસ”
દરમિયાન, ખ્વાજાના આ નવા દાવાઓ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. સંચાલક મંડળે જણાવ્યું છે કે 2018 ની કેપટાઉન ટેસ્ટ પછીના 8 વર્ષ દરમિયાન મીડિયામાં સતત અટકળો ચાલતી રહી છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પોતાની પ્રારંભિક સત્તાવાર તપાસના પરિણામોથી પૂરેપૂરું સંતુષ્ટ છે. બોર્ડે વધુમાં ઉમેર્યું કે જો કોઈ પાસે આ વિવાદને લગતી નવી કે વધારાની સંબંધિત માહિતી હોય તો રજૂ કરી શકે છે, અને સંસ્થા તેની યોગ્ય તપાસ કરવા માટે હંમેશા તૈયાર છે.
આ પણ વાંચો: રોહિતના છગ્ગા, વિરાટના રન અને ટીમ ઈન્ડિયાની જીતનો રેકોર્ડ! વેલિંગ્ટનમાં ભારતે રચ્યો ઈતિહાસ












