EV ખરીદતા પહેલાં જાણો, 45% ઘરોમાં સુરક્ષિત ચાર્જિંગની સુવિધા નથી, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Utility News: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચને કારણે મોટી સંખ્યામાં લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર અને કાર ખરીદી રહ્યા છે, પરંતુ શું તમારું ઘર EV ચાર્જિંગ માટે ખરેખર સુરક્ષિત છે? એક તાજેતરના ચોંકાવનારી રિપોર્ટ અનુસાર દેશના લગભગ 45 ટકા ઘરો સુરક્ષિત રીતે ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરવા માટે તૈયાર નથી, જેના કારણે શોર્ટ સર્કિટ, વાયરિંગમાં ખામી અને આગ લાગવાનું જોખમ વધી શકે છે.
80 હજારથી વધુ ઘરોના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
EV ચાર્જિંગ પ્લેટફોર્મ Kazam અને Alliance for an Energy Efficient Economy (AEEE) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દેશના ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 શહેરોના 80 હજારથી વધુ રહેણાંક સ્થળોએ સ્થાપિત EV ચાર્જિંગ સિસ્ટમનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે લગભગ 45 ટકા ઘરોમાં સુરક્ષિત EV ચાર્જિંગ માટે જરૂરી ઇલેક્ટ્રિકલ સુવિધાઓનો અભાવ છે અને તેમને અપગ્રેડ કરવાની તાત્કાલિક જરૂર છે.
2035 સુધી વીજળીની માંગમાં મોટો વધારો થશે
રિપોર્ટ અનુસાર ભારતમાં EVના વધતા ઉપયોગને કારણે વર્ષ 2024માં કુલ વીજ વપરાશમાં EVનો હિસ્સો માત્ર 0.2 ટકા હતો, જે વર્ષ 2035 સુધી વધીને લગભગ 6 ટકા સુધી પહોંચી શકે છે. જોકે હાલ માત્ર 55 ટકા સંભવિત EV ખરીદદારો પાસે જ ઘરમાં સુરક્ષિત ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ છે.
સામાન્ય સોકેટ અને એક્સ્ટેન્શન બોર્ડનો ઉપયોગ બની શકે છે જોખમી
ઘણા લોકો ખર્ચ બચાવવા માટે EVને સામાન્ય પ્લગ, જૂના વાયરિંગ અથવા એક્સ્ટેન્શન બોર્ડથી ચાર્જ કરે છે. પરંતુ આ પ્રકારની વ્યવસ્થા EVના ભારે વીજ લોડ માટે બનાવવામાં આવી નથી. પરિણામે વાયર ગરમ થવા, શોર્ટ સર્કિટ, આગ લાગવી તેમજ વાહનની મોંઘી બેટરીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.
સુરક્ષિત EV ચાર્જિંગ માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
- EV માટે હંમેશા અલગ ડેડિકેટેડ ચાર્જિંગ સર્કિટ રાખો.
- ઘરનું વાયરિંગ અને અર્થિંગ નિયમો મુજબ અને મજબૂત હોવું જોઈએ.
- યોગ્ય રેટિંગ વાળા MCB અને અર્થ-લીકેજ પ્રોટેક્શન ડિવાઇસનો ઉપયોગ કરો.
- EV ચાર્જિંગ માટે અલગ સબ-મીટર લગાવવું વધુ સુરક્ષિત અને ઉપયોગી રહે છે.
EV ખરીદતા પહેલાં ઘરની તપાસ કરાવવી જરૂરી
રિપોર્ટમાં નિષ્ણાતોએ સલાહ આપી છે કે નવી ઇલેક્ટ્રિક કાર અથવા સ્કૂટર ખરીદતા પહેલાં ઘરની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું પ્રમાણિત ઇલેક્ટ્રિશિયન દ્વારા નિરીક્ષણ કરાવવું જોઈએ. યોગ્ય તૈયારી વગર EV ચાર્જ કરવાથી માત્ર વાહન જ નહીં, પરંતુ આખા પરિવારની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકે છે.












