ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતમાં પેરિસ જેવો નજારો આપતો મેટ્રો બ્રિજ તૈયાર, બુલેટ ટ્રેન સ્ટેશન સુધી સફર થશે સરળ

Bridge Bullet Train Station :   સુરત શહેરની પરિવહન વ્યવસ્થામાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. તાપી નદી પર અડાજણ અને અઠવા ચોપાટી વચ્ચે નિર્માણ પામેલો શહેરનો પ્રથમ મેટ્રો બ્રિજ હવે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. આધુનિક ડિઝાઇન અને નદી ઉપરથી દેખાતા સુંદર નજારાને કારણે આ બ્રિજ સુરત માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે. તેની ડિઝાઇન પેરિસના રિવરફ્રન્ટ બ્રિજ જેવી હોવાની ચર્ચા છે.

આ બ્રિજ તાપી રિવરફ્રન્ટ પરથી પસાર થાય છે. ખાસ વાત એ છે કે પશ્ચિમ સુરતના અડાજણ, પાલ અને રાંદેર વિસ્તારમાં રહેતા લોકોને આ મેટ્રો રૂટનો સીધો લાભ મળશે. મેટ્રો મારફતે મુસાફરો રસ્તા પરના ટ્રાફિકથી બચીને અંત્રોલી ખાતે આવેલા બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચી શકશે.

પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું બ્રિજનું સ્ટ્રક્ચર

તાપી નદી પર બનેલા આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરતી વખતે વર્ષ 2006માં સુરતમાં આવેલા વિનાશક પૂરના આંકડાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. નદીના કુદરતી પ્રવાહને અસર ન થાય અને ભવિષ્યમાં પાણીના વહેણમાં કોઈ અવરોધ ઊભો ન થાય તે બાબતને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બ્રિજના નિર્માણમાં નદીના પટમાં 50 મીટર લાંબા કુલ 8 વિશાળ સ્પાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રિજને નદીના હાઈ ફ્લડ લેવલ (HFL)થી 7 મીટર ઊંચાઈ પર રાખવામાં આવ્યો છે. અંદાજે 20 મીટરની ઊંચાઈ ધરાવતો આ બ્રિજ કેબલ બ્રિજ બાદ સુરતનો બીજો સૌથી ઊંચો બ્રિજ બન્યો છે.

400 મીટર લાંબા બ્રિજ પર 80 કિમીની ઝડપે દોડશે મેટ્રો

માળખાકીય દૃષ્ટિએ પણ આ બ્રિજ ખાસ છે. તેની કુલ લંબાઈ 400 મીટર છે અને તેના નિર્માણમાં 144 સેગમેન્ટલ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી પસાર થનારી મેટ્રો ટ્રેનમાં એકસાથે 764 મુસાફરો મુસાફરી કરી શકશે. મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડી શકશે.

સુરતના પશ્ચિમ વિસ્તારના મુસાફરોને મળશે મોટી રાહત

અડાજણ, પાલ અને રાંદેર જેવા ઝડપથી વિકસતા વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડવામાં આ બ્રિજ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ખાસ કરીને બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચવા માટે મુસાફરોને રસ્તાના ટ્રાફિક પર નિર્ભર રહેવું નહીં પડે. આ પ્રોજેક્ટથી સુરતની જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુવિધાજનક બનવાની સાથે શહેરના માળખાકીય વિકાસને પણ વેગ મળશે.

આ પણ વાંચો : નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકે દંપતીને ટક્કર મારી, કારમાંથી દારૂની બોટલો મળી

Back to top button