ટ્રેન્ડિંગનેશનલમીડિયા

JNUની 11 વિદ્યાર્થિનીઓના શોષણના આરોપી પ્રોફેસરને કોંગ્રેસે પદ આપતાં સ્મૃતિ ઈરાની ભડક્યાં

Smriti Irani Controversy :  મણિપુર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે જાહેર કરેલી પદાધિકારીઓની યાદી વિવાદમાં સપડાઈ છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની 11 વિદ્યાર્થિનીઓ દ્વારા યૌન શોષણના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા પ્રોફેસર અંગોમચા બિમોલને કોંગ્રેસે મણિપુર પ્રદેશની ચૂંટણી અભિયાન સમિતિમાં મહત્વની જવાબદારી સોંપી છે. આ નિમણૂકને લઈને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ પણ આ મુદ્દે કોંગ્રેસની ટીકા કરી છે.

મહિલા સન્માનના મુદ્દે કોંગ્રેસ પર સ્મૃતિ ઈરાનીના પ્રહાર

સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કોંગ્રેસના મહિલા સન્માનના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે, ‘લડકી હૂં, લડ સકતી હૂં’ અને ‘Smash the Patriarchy’ જેવા નારા આપનારી કોંગ્રેસનો અસલી ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, JNUની 11 વિદ્યાર્થિનીઓ દ્વારા કોંગ્રેસના સાંસદ બિમોલ અકોિજમ પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોવા છતાં તેમને મણિપુર પ્રદેશ ચૂંટણી સમિતિમાં મહત્વનું પદ આપવામાં આવ્યું છે. મહિલાઓના સન્માન અંગે કોંગ્રેસની વાતો અને તેના કાર્યોમાં મોટો તફાવત હોવાનું પણ તેમણે કહ્યું હતું.

અંગોમચા બિમોલ પર શું છે આરોપ?

મળતી માહિતી મુજબ, અંગોમચા બિમોલ અકોિજમ જ્યારે JNUમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા ત્યારે 11 વિદ્યાર્થિનીઓએ તેમના પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. યુનિવર્સિટીની આંતરિક તપાસમાં આરોપો સાચા ઠર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસના અહેવાલ બાદ JNU પ્રશાસને તેમની સામે કાર્યવાહી કરી હતી અને 9 ઓક્ટોબરે તેમને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દિલ્હી પોલીસ દ્વારા પણ કરવામાં આવી હતી પૂછપરછ

આ મામલે 12 ઓક્ટોબરે દિલ્હી પોલીસે FIR નોંધી હતી. ત્યારબાદ કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોિજમને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. બીજી તરફ, ભાજપની મહિલા સાંસદોએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે લોકસભા સ્પીકરને ફરિયાદ કરીને કોંગ્રેસના સાંસદ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. મણિપુર ચૂંટણી પહેલાં કોંગ્રેસની આ નિમણૂકને લઈને રાજકીય વિવાદ વધુ વકરવાની શક્યતા છે.

Back to top button