ગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગ

અમરનાથ યાત્રા માટે રાજકોટથી પ્રથમ સંઘ રવાના, દર મંગળ અને બુધવારે જમ્મુ-કટરા ટ્રેનની સુવિધા

Amarnath yatra: 3 જુલાઈથી શરૂ થનારી પવિત્ર અમરનાથ યાત્રા પૂર્વે રાજકોટ રેલવે સ્ટેશન પરથી શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થઈ હતી. હર હર મહાદેવના ગગનભેદી નાદ, ભક્તિમય વાતાવરણ અને પરિવારજનોની શુભેચ્છાઓ વચ્ચે યાત્રિકોને વિદાય આપવામાં આવી હતી. રાજકોટથી દર મંગળવાર અને બુધવારે જમ્મુ-કટરા જતી ટ્રેન દ્વારા યાત્રિકો પવિત્ર યાત્રાએ નીકળ્યા છે.

3 જુલાઈથી શરૂ થનારી દેશની સૌથી પવિત્ર યાત્રાઓમાંની એક અમરનાથ યાત્રાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી પણ બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી આજે રાજકોટ રેલવે સ્ટેશન પરથી ભક્તિભાવ સાથે રવાના થઈ હતી. સ્ટેશન પર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.

વહેલી સવારથી જ યાત્રિકો રેલવે સ્ટેશન પર પહોંચ્યા

પરિવારજનોએ યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવી, તિલક કરીને અને ફૂલહાર પહેરાવી ભાવભીની વિદાય આપી હતી. સ્ટેશન પર હાજર લોકોમાં પણ યાત્રિકોને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અમરનાથ યાત્રા પર નીકળેલા કેતનભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટથી જમ્મુ સુધી ટ્રેનમાં પ્રવાસ કરશે અને ત્યારબાદ જમ્મુથી ભારતીય સેનાના જવાનો તથા સુરક્ષા દળોની દેખરેખ હેઠળ આગળની યાત્રા શરૂ કરશે. તેમણે જણાવ્યું કે રાજકોટથી દર મંગળવાર અને બુધવારે જમ્મુ-કટરા સુધી જતી ટ્રેન ઉપલબ્ધ હોવાથી યાત્રિકોને મુસાફરીમાં સરળતા રહે છે. વૈષ્ણોદેવી સુધી પહોંચ્યા બાદ તેઓ અમરનાથ યાત્રાના નિર્ધારિત માર્ગે આગળ વધશે.

અમરનાથ યાત્રા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. હિમાલયની ગોદમાં આવેલી પવિત્ર ગુફામાં કુદરતી રીતે નિર્માણ પામતું હિમલિંગ ભગવાન શિવના સ્વરૂપ તરીકે પૂજાય છે. આ હિમલિંગના દર્શન માટે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે.

યાત્રાળુઓની વર્ષોની ઈચ્છા પૂર્ણ થઈ

રાજકોટમાંથી નીકળેલા યાત્રિકોમાં યુવાનો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. ઘણા યાત્રિકો વર્ષોથી બાબા બર્ફાનીના દર્શનની ઈચ્છા રાખતા હતા, જે આ વર્ષે પૂર્ણ થવા જઈ રહી છે. યાત્રિકોના ચહેરા પર દર્શનની આતુરતા અને ભગવાન શિવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સ્પષ્ટ જોવા મળી રહી હતી. રેલવે સ્ટેશન પર યાત્રિકોને શુભ યાત્રાની શુભેચ્છા આપવા માટે તેમના પરિવારજનો ઉપરાંત મિત્રો અને શિવભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યાત્રિકોના સ્વાગત અને વિદાય દરમિયાન ભક્તિમય ગીતો અને ભગવાન શિવના જયઘોષથી સમગ્ર સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચોઃ સુરત નાસીર નગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી, 5 એન્જિનિયર સસ્પેન્ડ
Back to top button