ટોપ ન્યૂઝટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઠંડી અને પ્રદૂષણથી ન્યુમોનિયાનું જોખમ વધ્યું, બાળકો-વૃદ્ધો સાવધાન

Pneumonia: દેશના અનેક વિસ્તારોમાં ઠંડીની શરૂઆત સાથે હવાનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ઠંડી અને પ્રદૂષણના બેવડા મારને કારણે ન્યુમોનિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં ન્યુમોનિયાની ફરિયાદ સાથે દર્દીઓ પહોંચી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે શરૂઆતમાં સામાન્ય ઉધરસ જેવો લાગતો ન્યુમોનિયા સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર હવામાં રહેલા ધુમાડા અને પ્રદૂષણના સૂક્ષ્મ કણો શ્વાસનળીઓને નુકસાન પહોંચાડે છે. પ્રદૂષિત હવા શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પણ અસર કરે છે. જેના કારણે બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા નબળી પડી શકે છે અને કેટલાક કિસ્સામાં સામાન્ય વાયરલ ઇન્ફેક્શન પણ ન્યુમોનિયામાં ફેરવાઈ શકે છે. દિવાળી બાદ દર વર્ષે આવી સ્થિતિ જોવા મળતી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ બાળકોમાં ન્યુમોનિયાની ફરિયાદો સામે આવી રહી છે. અત્યાર સુધી હળવા લક્ષણો ધરાવતા બાળકો વધુ જોવા મળી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં ઠંડી વધવાની સાથે કેસમાં વધુ વધારો થવાની આશંકા છે.

આ લોકોને સૌથી વધુ જોખમ

ન્યુમોનિયાનું જોખમ ખાસ કરીને બાળકો, વૃદ્ધો, ધૂમ્રપાન કરનારાઓ અને ડાયાબિટીસ, અસ્થમા કે હૃદયની બીમારીથી પીડિત લોકોને વધુ રહે છે. ગર્ભવતી મહિલાઓએ પણ આ ઋતુમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. જો ત્રણ દિવસથી વધુ સમય સુધી ઉધરસ રહે, રાત્રે શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ આવે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તેને સામાન્ય સમસ્યા સમજીને અવગણવી નહીં.

ઘરેલું ઉપચારના ભરોસે ન રહેવું

ઘણા લોકો ઉધરસ કે શ્વાસની તકલીફ થતાં જાતે જ આદુની ચા, વરાળ અથવા અગાઉની બચેલી એન્ટિબાયોટિક દવાઓ લેવાનું શરૂ કરી દે છે. પરંતુ ડોક્ટરોના મતે આવી રીતે પોતાની રીતે દવાઓ લેવી નુકસાનકારક બની શકે છે. લક્ષણો જણાય તો યોગ્ય તપાસ અને સારવાર માટે તબીબી સલાહ લેવી જરૂરી છે.

ન્યુમોનિયાથી બચવા શું કરવું?

પ્રદૂષણથી બચવા માટે બહાર નીકળતાં પહેલાં હવાની ગુણવત્તા એટલે કે AQI તપાસવો જોઈએ. વધુ સ્મોગ હોય તેવા દિવસોમાં સવારની બહારની કસરત કે મોર્નિંગ વોક ટાળવી જોઈએ. બહાર જવું જરૂરી હોય તો યોગ્ય રીતે ફિટ થતું N95 માસ્ક પહેરવું જોઈએ. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલેથી બીમારી ધરાવતા લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંંચોઃ ઉડતી કારનું સ્વપ્ન કેટલું નજીક? ચીનથી ભારત સુધી ક્યાં પહોંચી તૈયારી
Back to top button