ટ્રેન્ડિંગનેશનલમીડિયા

જમ્મુ-કાશ્મીરમાં બે SPOની હત્યા, ગોળીથી વીંધાયેલા મૃતદેહ જંગલમાંથી મળી આવતાં ચકચાર

SPO Dead Bodies Found  :   જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાંથી ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના મૃતદેહ મળી આવ્યા છે. બંને જવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. મારવાહના દેહરના જંગલ વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સંભળાયા બાદ બંને જવાનો ગુમ થયા હતા. ત્યારથી પોલીસ અને સુરક્ષા દળો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હવે સર્ચ ઓપરેશન દરમિયાન બંનેના મૃતદેહ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધી છે.

મૃતક જવાનોની ઓળખ ઋષિપાલ અને બોબી ચંદ તરીકે થઈ છે. બંને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે જોડાયેલા હતા. તેઓ કિયાર દચ્છનથી અપર રિજ દેહરના વિસ્તારમાં આવેલા બસનાન ખાતે તૈનાત સેનાની 17 રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમને રિલીવ કરવા માટે નીકળ્યા હતા. જોકે, તેઓ નિર્ધારિત સ્થળે પહોંચ્યા નહોતા.

સેનાની ચોકી પર પહોંચે તે પહેલાં જ ગુમ થયા હતા જવાનો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને SPO કિયાર કેમ્પથી ઢારના-મારવાહ સ્થિત સેનાની ચોકી તરફ જવા રવાના થયા હતા. પરંતુ લાંબા સમય સુધી તેઓ પોતાના ગંતવ્યસ્થાને પહોંચ્યા નહોતા. શરૂઆતમાં તેમના મોબાઇલ ફોન પર સંપર્ક થઈ રહ્યો હતો, પરંતુ થોડા સમય બાદ બંનેના ફોન બંધ થઈ ગયા હતા. જેના કારણે તેમની સુરક્ષાને લઈને ચિંતા વધી હતી.

સેના અને પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું

બંને જવાનો ગુમ થયાની જાણ થતાં જ પોલીસ અને સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળોની અલગ-અલગ ટીમો દુર્ગમ પહાડી વિસ્તારો અને ગાઢ જંગલોમાં તપાસ કરી રહી હતી. આ અભિયાન દરમિયાન બંને જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહ પર ગોળીનાં નિશાન મળી આવતાં તેમની હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કિશ્તવાડમાં સુરક્ષાને લઈને ફરી ચિંતા વધી

આ ઘટનાએ કિશ્તવાડ જિલ્લાના પહાડી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં સમગ્ર હકીકત સામે ન આવે ત્યાં સુધી આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે જોડવી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF કેમ્પ નજીક પણ ફાયરિંગની ઘટના બની હતી. મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ નાકા પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

આ પણ વાંચો ; સુરતમાં પેરિસ જેવો નજારો આપતો મેટ્રો બ્રિજ તૈયાર, બુલેટ ટ્રેન સ્ટેશન સુધી સફર થશે સરળ

Back to top button