પતિએ કહ્યું ‘જે કરવું હોય તે કર’, પત્નીએ કરી આત્મહત્યા; હાઈકોર્ટે આપ્યો ચુકાદો

Bombay Hc Suicide Bail : પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડામાં ગુસ્સામાં બોલાયેલા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં, તેવી મહત્વપૂર્ણ ટિપ્પણી બોમ્બે હાઈકોર્ટે કરી છે. એક મહિલાએ પતિ સાથેના ઝઘડા બાદ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મહિલાના પરિવારજનોએ પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાવ્યો હતો. જોકે, હાઈકોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ પતિની વાતોને આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણવાનો ઇનકાર કરીને તેને જામીન આપ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, બંનેનાં લગ્ન જુલાઈ 2025માં થયાં હતાં. શરૂઆતમાં પતિ-પત્ની પતિનાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો સાથે રહેતાં હતાં. મહિલાના પરિવારજનોનો આરોપ હતો કે પતિ પત્નીને પૂરતો સમય આપતો નહોતો. તેને સંબંધીઓના ઘરે કે બહાર ફરવા લઈ જવાનું પણ ટાળતો હતો. પત્ની તેની નજીક આવવાનો પ્રયાસ કરતી ત્યારે પણ તે તેને રોકતો હતો. ઘટનાના લગભગ એક મહિના પહેલાં બંને પરિવારથી અલગ થઈને એક ફ્લેટમાં રહેવા લાગ્યાં હતાં. જોકે, તેમની વચ્ચેના મતભેદો યથાવત્ રહ્યા હતા.
પતિએ કહ્યું, ‘જે કરવું હોય તે કરો’
એક દિવસ ફરી બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પત્નીએ પતિને કહ્યું હતું કે જો તે તેની વાત નહીં સાંભળે તો તે આત્મહત્યા કરી લેશે. તેના જવાબમાં પતિએ ગુસ્સામાં કહ્યું હતું કે, ‘જે કરવું હોય તે કરો.’ ત્યારબાદ તે પોતાના ભાઈને મળવા માટે ઘરેથી બહાર નીકળી ગયો હતો.
બીજી તરફ, પત્નીએ આ સમગ્ર ઘટના અંગે પોતાના મામા સાથે વાત કરી હતી અને ત્યારબાદ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે મહિલાના પિયર પક્ષે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હાઈકોર્ટે શું કહ્યું?
આ કેસમાં જસ્ટિસ મિલિંદ એન. જાધવે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે ઘરેલુ ઝઘડા દરમિયાન ગુસ્સામાં બોલાયેલા શબ્દો અને ત્યારબાદ ઘરેથી જતા રહેવાની ઘટનાને માત્ર તેના આધારે આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કામની વ્યસ્તતાને કારણે પતિ પત્ની સાથે સમય ન વિતાવી શકે અથવા તેને બહાર ફરવા ન લઈ જાય તો તેનાથી બંને વચ્ચે મતભેદ અને ઝઘડા થઈ શકે છે, પરંતુ માત્ર આ બાબતોને ક્રૂરતા ગણી શકાય નહીં.
ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 108, 85 અને 3(5) હેઠળ નોંધાયેલી FIRના આધારે આ મામલે સુનાવણી થઈ હતી. અંતે હાઈકોર્ટે આરોપી પતિને જામીન આપ્યા હતા. કોર્ટે આ નિર્ણય પ્રાથમિક તબક્કે ઉપલબ્ધ હકીકતોના આધારે આપ્યો છે. આ જામીનનો આદેશ કેસમાં અંતિમ નિર્દોષતાનો ચુકાદો નથી.
આ પણ વાંચો : નેપાળમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા નોંધાઈ












