બેંગલુરુની ફાઇવસ્ટાર હોટેલમાં ભયાનક દુર્ઘટના: સ્વિમિંગ પૂલમાં કરંટ ઉતરતાં બે વિદેશી નાગરિકોનાં મોત
કર્ણાટકની રાજધાની બેંગલુરુની એક ફાઇવસ્ટાર હોટેલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. હલાસુરુ વિસ્તારમાં આવેલી કોનરાડ હોટેલના સ્વિમિંગ પૂલમાં કરંટ લાગતાં બે વિદેશી નાગરિકોનાં મોત થયાં છે. મૃતકોમાં એક જર્મની અને બીજા સ્લોવાકિયાના નાગરિકનો સમાવેશ થાય છે. બંનેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે એક અમેરિકન નાગરિક અને હોટેલના ભારતીય પૂલ એટેન્ડન્ટને પણ કરંટ લાગ્યો હતો. જોકે, બંને ઘાયલો હાલ ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના શુક્રવારે સાંજે હોટેલની ત્રીજી માળે આવેલા સ્વિમિંગ પૂલમાં બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પૂલના પાણીમાં પહેલેથી જ વીજપ્રવાહ ઉતરેલો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
સ્વિમિંગ પૂલમાં ઉતરતાં જ લાગ્યો કરંટ
મળતી માહિતી મુજબ, બંને વિદેશી નાગરિકો હોટેલના સ્વિમિંગ પૂલમાં ગયા હતા. તે દરમિયાન પાણીમાં ઉતરેલા વીજપ્રવાહને કારણે તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. બંનેને મુશ્કેલીમાં જોઈને આસપાસ હાજર લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, બચાવ કામગીરી દરમિયાન અમેરિકન નાગરિક મેથ્યુ ડેસેન્ટિસ અને ભારતીય પૂલ એટેન્ડન્ટ રાહુલ તિવારીને પણ કરંટ લાગ્યો હતો. બંનેને તાત્કાલિક સારવાર માટે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સ્થિતિ સ્થિર હોવાનું અને તેઓ ખતરાની બહાર હોવાનું જણાવાયું છે.
મૃતક જર્મન નાગરિક લુફ્થાન્સાનો ક્રૂ મેમ્બર હોવાની ચર્ચા
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જર્મન નાગરિક લુફ્થાન્સા એરલાઇન્સનો ક્રૂ મેમ્બર હોવાનું કહેવાય છે. જોકે, આ અંગેની સત્તાવાર વિગતોની પુષ્ટિ થવાની બાકી છે.
બંને વિદેશી નાગરિકોને બચાવવા માટે હાજર લોકોએ તાત્કાલિક પ્રયાસ કર્યા હતા, પરંતુ કરંટ લાગવાથી તેમની સ્થિતિ ગંભીર બની હતી અને અંતે બંનેનાં મોત થયાં હતાં.
સ્વિમિંગ પૂલમાં કરંટ કેવી રીતે આવ્યો? પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. સ્વિમિંગ પૂલના પાણીમાં વીજપ્રવાહ કેવી રીતે ઉતર્યો, ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કોઈ ખામી હતી કે નહીં અને હોટેલના સંચાલન તરફથી સુરક્ષાનાં પૂરતાં પગલાં લેવામાં આવ્યાં હતાં કે નહીં, તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનામાં બેદરકારી કોની હતી અને તેના માટે જવાબદાર કોણ છે તે પણ તપાસ બાદ સ્પષ્ટ થશે. બે વિદેશી નાગરિકોનાં મોતને પગલે હોટેલની સુરક્ષા વ્યવસ્થા અને સ્વિમિંગ પૂલના જાળવણીના ધોરણો અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: ગાયનું મૂત્ર પીવે છે અને ચાટે છે ભારતીયો: ઈઝરાયેલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવી












