ગુજરાત

વડોદરામાં ઝડપાયો ધોરણ-10 પાસ ‘બોગસ ડોક્ટર’: છાણી રોડ પર ક્લિનિક ચલાવતા શખ્સ પર SOGની તવાઈ

Vadodara SOG Arrests Fake Doctor: વડોદરા શહેરના છાણી રોડ વિસ્તારમાં આવેલા શ્રીનાથપુરમ એપાર્ટમેન્ટમાંથી માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત વગર જ એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા એક બોગસ ડૉક્ટરને વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત અને સફળ રેડ દરમિયાન ‘સાઈનાથ ક્લિનિક’ માંથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ, કફ સિરપ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો અને રબર સ્ટેમ્પ સહિત કુલ ₹20,874 નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

‘સાઈનાથ ક્લિનિક’ પર SOGના પ્રી-પ્લાન્ડ દરોડા

એસઓજી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાયાર્ડ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. દીપક સોલંકીને પંચ તરીકે સાથે રાખીને આ દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ક્લિનિકમાંથી દીનેશ ઉર્ફે ભરૂચી ડોન ચતુરભાઈ પરમાર હાજર મળી આવ્યા હતા. સઘન પૂછપરછ અને તપાસમાં ખુલાસો થયો હતો કે આ શખ્સ પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે એલોપેથીક સારવાર આપવામાં આવી રહી હતી.

વર્ષ 2022 થી બેરોકટોક ચલાવતો હતો દવાખાનું

પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે પકડાયેલા આરોપી દીનેશ પરમાર માત્ર ધોરણ-10 સુધી જ અભ્યાસ કરેલો છે. તેમ છતાં તે વર્ષ 2022 થી સાઈનાથ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ડૉ. દીનેશ સી. પરમારના નામના ખોટા બોર્ડ લગાવીને ક્લિનિક ધમધમાવી રહ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 12 પ્રકારની કફ સિરપ, 10 કંપનીઓની એન્ટિબાયોટિક અને પેઇનકિલર દવાઓ, મેડિકલ ઇન્જેક્શન, સિરીંજ, મેડિકલ એપ્રોન તેમજ 4 રબર સ્ટેમ્પ સહિતનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નિદોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનાર વિરુદ્ધ ગુનો દાખલ

સામાન્ય જનતાના સ્વાસ્થ્ય અને જીવને ગંભીર જોખમમાં મૂકનાર આરોપી દીનેશભાઈ ઉર્ફે ભરૂચી ડોન પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 અને 33 હેઠળ ફતેગંજ પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી શહેરમાં અન્ય છૂપા બોગસ તબીબોમાં પણ મોટો ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો: વડોદરામાં સામૂહિક આપઘાતની ઘટના: માતાએ દીકરા-દીકરી સાથે જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

Back to top button