ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Census 2027: દેશભરમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર! 25 જાન્યુઆરીથી શરૂ થશે મહાઅભિયાન, જોઈ લો આખું શિડ્યૂલ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશભરમાં વસ્તી ગણતરી (Census 2027) માટેની તારીખો જાહેર કરી દીધી છે. સરકાર દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી મુજબ, દેશના મોટાભાગનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે, હિમવર્ષા પ્રભાવિત વિસ્તારો અને કેટલાક ચૂંટણીવાળાં રાજ્યોમાં હાલ વસ્તી ગણતરી કરવામાં આવશે નહીં. આ વિસ્તારો માટે અલગથી તારીખો જાહેર કરવામાં આવશે.

સરકારના જણાવ્યા અનુસાર, 1 માર્ચથી 5 માર્ચ 2027 દરમિયાન રિવિઝન રાઉન્ડ પણ યોજાશે. વસ્તી ગણતરી માટેની સંદર્ભ તારીખ 1 માર્ચ 2027ની મધરાત એટલે કે 00:00 કલાક નક્કી કરવામાં આવી છે. આવો જાણીએ વસ્તી ગણતરી 2027 સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વિગતો.

કયા રાજ્યોમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી?

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર, દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી ગણતરી કરવામાં આવશે. જોકે, કેટલાક રાજ્યો અને વિસ્તારોને હાલ આ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

આ રાજ્યો અને વિસ્તારોમાં સામેલ છે:

  • મણિપુર (આગામી જાહેરાત થાય ત્યાં સુધી)
  • ગોવા
  • ઉત્તર પ્રદેશ
  • પંજાબ
  • ઉત્તરાખંડ
  • લદ્દાખ
  • હિમાચલ પ્રદેશના હિમવર્ષા પ્રભાવિત વિસ્તારો
  • જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા પ્રભાવિત વિસ્તારો

આ વિસ્તારોમાં વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે તેની તારીખો સરકાર દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી આ રાજ્યોમાં વસ્તી ગણતરીની કામગીરી માટે અલગ સમયપત્રક નક્કી કરવામાં આવશે.

આઝાદી બાદની 8મી વસ્તી ગણતરી

ભારતમાં આઝાદી બાદ આઠમી વખત વસ્તી ગણતરી થવા જઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે અને તેમની સ્થિતિ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. બીજા તબક્કામાં દેશના નાગરિકોની વસ્તી ગણતરી કરવામાં આવશે.

સામાન્ય રીતે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. અગાઉ આ કામગીરી વર્ષ 2021માં થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી.

મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકારના મંત્રીમંડળે વસ્તી ગણતરી માટે અંદાજે ₹11,718 કરોડના બજેટને મંજૂરી આપી છે. આ દેશના સૌથી મોટા વસ્તી ગણતરી અભિયાનોમાંનું એક બનવાનું છે.

વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે 40 પ્રશ્નો

વસ્તી ગણતરી 2027ને લઈને અગાઉ એક મહત્વપૂર્ણ માહિતી પણ સામે આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે નાગરિકો પાસેથી વિવિધ વિષયો પર કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે.

આ પ્રશ્નો દ્વારા લોકોના રહેઠાણ, પરિવાર અને અન્ય જરૂરી વિગતો એકત્રિત કરવામાં આવશે. આ માહિતીના આધારે દેશની વસ્તી અને સામાજિક સ્થિતિનો વ્યાપક ડેટા તૈયાર કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2011માં ભારતની વસ્તી કેટલી હતી?

ભારતમાં છેલ્લી વખત વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તે સમયે દેશની કુલ વસ્તી આશરે 121 કરોડ નોંધાઈ હતી.

2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ:

  • કુલ વસ્તી: 121 કરોડ
  • પુરુષોની વસ્તી: 62.32 કરોડ
  • મહિલાઓની વસ્તી: 58.75 કરોડ
  • કુલ પરિવારો: 24.95 કરોડ

હવે લગભગ 16 વર્ષ બાદ દેશની નવી વસ્તી ગણતરી થવા જઈ રહી છે. તેથી 2027ની વસ્તી ગણતરીના આંકડા દેશની વર્તમાન વસ્તી, પરિવારોની સંખ્યા અને સામાજિક-આર્થિક સ્થિતિ સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

દેશની નવી વસ્તી ગણતરી પર સૌની નજર

વસ્તી ગણતરી માત્ર દેશના નાગરિકોની સંખ્યા જાણવાનું અભિયાન નથી, પરંતુ સરકારની વિવિધ યોજનાઓ, વિકાસની નીતિઓ અને ભવિષ્યના આયોજન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. હવે 2027માં યોજાનારી આ મહાકવાયત દ્વારા દેશની નવી વસ્તી અને અન્ય મહત્વપૂર્ણ આંકડાઓ સામે આવશે.

આ પણ વાંચો: દિલ્હીમાં 1 નવેમ્બરે રાજકીય મહાસંગ્રામ! રાહુલ ગાંધીની 10 લાખ લોકોની રેલી સામે ભાજપ પણ ઉતારશે મેદાનમાં

Back to top button