
Mallikarjun Kharge UPI Charges Allegation: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની મોદી સરકાર પર ડિજિટલ પેમેન્ટ અને UPI વ્યવહારો પર ચાર્જ લગાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે મંગળવારે, 15 સપ્ટેમ્બર 2026 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, આસમાને પહોંચેલી મોંઘવારીને કારણે સામાન્ય માણસના ખિસ્સા પહેલાથી જ ખાલી થઈ ગયા છે. મોંઘવારીથી પીડાતા લોકોને રાહત આપવાને બદલે મોદી સરકાર દરરોજ તેમને લૂંટવા માટે નવા રસ્તા શોધી રહી છે અને હવે આ લૂંટ UPI સુધી પહોંચી ગઈ છે.
ડિજિટલ ટેક્સથી બચત નાશ કરવાનો આક્ષેપ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, “આસમાનને આંબી રહેલા ફુગાવાને કારણે સામાન્ય માણસના ખિસ્સા પહેલેથી જ ખાલી છે. હાલમાં જથ્થાબંધ ફુગાવો 10% ની નજીક પહોંચી ગયો છે, અને ભાજપ સરકાર ડિજિટલ પેમેન્ટ્સ ટેક્સ લાદીને જનતાની જે પણ થોડીઘણી બચત છે તેનો નાશ કરવાની યોજના બનાવી રહી છે. UPI પર કોઈ ફી ન હોવાના દાવા વચ્ચે હવે ₹2,000 થી વધુના વ્યવહારો પર ચાર્જ વસૂલવાની તૈયારીઓ ચાલી રહી છે.”
નોટબંધીના 10 વર્ષ બાદ ડિજિટલ પેમેન્ટના દાવા સામે ઉઠાવ્યા સવાલો
કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતાં ખડગેએ કહ્યું હતું કે, “10 વર્ષ પહેલાં દેશની અર્થવ્યવસ્થાને નોટબંધીનો મોટો ફટકો પડ્યો હતો. જ્યારે નોટબંધીના વિનાશક પરિણામો વિશે દેશવાસીઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા, ત્યારે સરકારે એવી દલીલ કરી હતી કે દેશમાં ડિજિટલ ચુકવણી અને કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી નોટબંધી લાદવામાં આવી હતી. પરંતુ હવે તે જ ડિજિટલ પેમેન્ટ પર ટેક્સ લાદવાની તૈયારીઓ થઈ રહી છે.”
₹5,000 અને ₹10,000 ના વ્યવહારો પર સંભવિત ચાર્જ અંગે નાણામંત્રીને ઘેર્યા
નાણામંત્રીના સંસદમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતાં ખડગેએ કહ્યું કે, “નાણામંત્રીએ તાજેતરમાં જ સંસદમાં દાવો કર્યો હતો કે UPI પર કોઈ કર કે શુલ્ક લાગશે નહીં. પરંતુ સામે આવેલા વિવિધ અહેવાલો અનુસાર, ₹5,000 ના વ્યવહાર પર ₹25 અને ₹10,000 ના વ્યવહાર પર ₹50 સુધીનો સંભવિત કર લાદવામાં આવી શકે છે. શું આ વાત સાચી છે?” તેમણે સરકાર પાસે આ મામલે સ્પષ્ટતા માંગી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
MDR ના વધારાના બોજથી ગ્રાહકો પર મોંઘવારીનો માર વધશે
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષે ઉમેર્યું હતું કે, “શું સરકારને એ વાતનો ખ્યાલ નથી કે વેપારીઓ પર મુકવામાં આવતો આ વધારાનો આર્થિક બોજ આખરે ઊંચા ભાવો દ્વારા સામાન્ય ગ્રાહકોના ખિસ્સામાંથી જ વસૂલવામાં આવશે? મોદી સરકાર સામાન્ય જનતાને રાહત આપવાના બદલે રોજ નવા ચાર્જ અને ટેક્સ લાદીને ગ્રાહકોનું શોષણ કરી રહી છે.”
આ પણ વાંચો: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને રાહત, SCએ કહ્યું, સારી એક્ટિંગ કરો છો, કોર્ટમાં ન કરતા












