ડીઝલના રૂ. 50ના સંભવિત વધારામાંથી સરકારે રૂ. 43નો બોજ ઉઠાવ્યોઃ PM મોદીનો મોટો ખુલાસો

Diesel Price Hike: પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઉછાળાની અસર ભારતીય અર્થતંત્ર પર પડી રહી છે. આ સ્થિતિમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 50 સુધીનો વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ હોવા છતાં સરકારે તેનો સંપૂર્ણ બોજ સામાન્ય નાગરિકો અને ખેડૂતો પર નાખ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે સરકારે ડીઝલના ભાવમાં માત્ર રૂ. 7નો વધારો કર્યો છે, જ્યારે બાકીના રૂ. 43 પ્રતિ લિટરનો બોજ પોતે ઉઠાવ્યો છે.
દર મહિને રૂ. 14 હજાર કરોડનો બોજ
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ‘કિસાન તક ભારત એગ્રીકલ્ચર કોન્ફરન્સ 2026’ને સંબોધિત કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ થોડા જ અઠવાડિયામાં પ્રતિ બેરલ 70 ડોલરથી વધીને 122 ડોલર સુધી પહોંચી ગયા હતા.
આ પરિસ્થિતિમાં ભારતમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ઓછામાં ઓછા રૂ. 50નો વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જોકે, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે સરકારે માત્ર રૂ. 7નો વધારો કર્યો અને બાકીના રૂ. 43નો બોજ પોતે સહન કર્યો હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. PM મોદીના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયને કારણે સરકાર દર મહિને આશરે રૂ. 14,000 કરોડનો આર્થિક બોજ ઉઠાવી રહી છે.
પાડોશી દેશોમાં ડીઝલના ભાવ 40થી 50 ટકા વધ્યા હોવાનો દાવો
વડાપ્રધાને જણાવ્યું હતું કે વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતાને કારણે પાડોશી દેશોમાં ડીઝલના ભાવમાં 40થી 50 ટકા સુધીનો વધારો થયો હતો. જ્યારે ભારતમાં ભાવવધારાની અસર મર્યાદિત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેતીમાં ટ્રેક્ટર, સિંચાઈનાં સાધનો, કૃષિ મશીનરી અને માલસામાનની હેરફેર માટે ડીઝલ મહત્ત્વનું ઈંધણ છે. તેના ભાવમાં મોટો વધારો થાય તો ખેતીનો ખર્ચ વધવાની સાથે પરિવહન અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. આથી ખેડૂતો અને સામાન્ય પરિવારો પર વધારાનું આર્થિક દબાણ ઊભું થવાની શક્યતા રહે છે.
ખાતરની બોરીમાં પણ મોટી સબસિડીનો ઉલ્લેખ
PM મોદીએ ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર છેલ્લાં 12 વર્ષમાં ખાતર સસ્તું રાખવા માટે રૂ. 16 લાખ કરોડ ખર્ચવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 5,000 કિંમત ધરાવતી DAP ખાતરની બોરી ભારતીય ખેડૂતોને રૂ. 1,300માં આપવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 3,000 કિંમત ધરાવતી યુરિયાની બોરી ખેડૂતોને રૂ. 300 કરતાં પણ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ખેતીમાં ટેક્નોલોજી અને સ્માર્ટ ફાર્મિંગ પર ભાર
વડાપ્રધાને જણાવ્યું હતું કે ખેતીમાં માત્ર ઉત્પાદન વધારવું પૂરતું નથી, પરંતુ ખેડૂતોની આવક અને આર્થિક સ્થિતિ મજબૂત કરવી પણ જરૂરી છે. આ માટે સ્માર્ટ ફાર્મિંગ, કૃષિ યાંત્રિકીકરણ, પાક વૈવિધ્યકરણ અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.
તેમણે નમો ડ્રોન દીદી પહેલનો ઉલ્લેખ કરીને ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. ખેડૂતોને સોલર ઊર્જાથી ચાલતાં કૃષિ સાધનો અપનાવવા અને કુદરતી ખેતી તરફ આગળ વધવા પણ અપીલ કરી હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટની અસર ખેડૂતો અને સામાન્ય નાગરિકો સુધી પહોંચે છે. આ અસરને મર્યાદિત રાખવા માટે સરકાર દ્વારા બોજ ઉઠાવવામાં આવતો હોવાનો વડાપ્રધાનનો દાવો છે. જોકે આ આંકડાઓ અને રાહતની વાસ્તવિક આર્થિક અસરનું મૂલ્યાંકન સરકારી ખર્ચ તથા ઈંધણના ભાવના આંકડાઓના આધારે કરવું જરૂરી રહેશે.












