ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને રાહત, SCએ કહ્યું, સારી એક્ટિંગ કરો છો, કોર્ટમાં ન કરતા

Rajpal Yadav Cheque Bounce Case: બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સના જૂના કેસમાં સુપ્રીમ કોર્ટથી હાલ પૂરતી રાહત મળી છે. જોકે કોર્ટે કડક વલણ અપનાવી તેમને બે અઠવાડિયામાં ₹2 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવાનો છેલ્લો મોકો આપ્યો છે. આ સાથે રાજપાલ યાદવને પોતાનો પાસપોર્ટ પણ તાત્કાલિક જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેસની આગામી સુનાવણી 5 ઓક્ટોબર 2026ના રોજ થશે.

ફિલ્મોમાં સારી એક્ટિંગ કરો છો, કોર્ટમાં નહીં

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવના વલણ અંગે રસપ્રદ પરંતુ કડક ટિપ્પણી પણ કરી હતી. કોર્ટે કહ્યું કે રાજપાલ યાદવ ફિલ્મોમાં ખૂબ સારી એક્ટિંગ કરે છે અને આશા છે કે કોર્ટ સમક્ષ તેઓ એવું નહીં કરે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રકમ જમા કરવા માટે આ તેમનો છેલ્લો મોકો છે.

બે અઠવાડિયામાં ₹2 કરોડ જમા કરવા પડશે

સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને ₹2 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ ઉપરાંત તેમને પાસપોર્ટ જમા કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી કોર્ટની મંજૂરી વગર તેઓ દેશની બહાર ન જઈ શકે. કોર્ટે સંબંધિત પક્ષોને નોટિસ પણ જારી કરી છે. હવે રાજપાલ યાદવ નિર્ધારિત સમયમર્યાદામાં રકમ જમા કરે છે કે નહીં તેના પર પણ આગળની કાર્યવાહી નિર્ભર રહેશે.

શું છે સમગ્ર ચેક બાઉન્સ વિવાદ?

આ વિવાદ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા સાત ચેક બાઉન્સ કેસનો છે. ફિલ્મ નિર્માણ માટે થયેલા નાણાકીય વ્યવહાર બાદ આપવામાં આવેલા ચેક બાઉન્સ થતાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં રાજપાલ યાદવ ઉપરાંત તેમની પત્ની રાધા યાદવ પણ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે. આ કેસ ફિલ્મ અતા પતા લાપતાના નિર્માણ માટે થયેલા નાણાકીય વ્યવહાર સાથે જોડાયેલો છે. કેસના રેકોર્ડ મુજબ વર્ષ 2010માં મુરલી પ્રોજેક્ટ્સ દ્વારા ફિલ્મ પૂર્ણ કરવા માટે ₹5 કરોડ આપવામાં આવ્યા હતા. બાદમાં ચુકવણીને લઈને વિવાદ ઊભો થયો અને ચેક બાઉન્સના કેસ કોર્ટ સુધી પહોંચ્યા હતા.

દિલ્હી હાઈકોર્ટે સજા યથાવત રાખી હતી

10 જુલાઈ 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવની ચેક બાઉન્સના સાતેય કેસમાં થયેલી સજા યથાવત રાખી હતી. તેમને દરેક કેસમાં ત્રણ મહિનાની સાદી કેદની સજા આપવામાં આવી હતી. તમામ સજાઓ એકસાથે ચાલવાની હોવાથી કુલ કેદનો સમય ત્રણ મહિના રહે છે. દરેક કેસમાં ₹1.05 કરોડનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતાં રાજપાલ યાદવ અને તેમની પત્નીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવે 5 ઓક્ટોબરની સુનાવણી મહત્ત્વની

સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને હાલમાં વધુ એક તક આપી છે, પરંતુ સાથે સ્પષ્ટ કરી દીધું છે કે રકમ જમા કરવા માટે હવે વધુ છૂટ આપવામાં નહીં આવે. રાજપાલ યાદવ બે અઠવાડિયામાં ₹2 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવે છે કે નહીં તે મહત્ત્વનું રહેશે. આ કેસની આગામી સુનાવણી 5 ઓક્ટોબર 2026ના રોજ નિર્ધારિત છે.

આ પણ વાંચોઃ Insolvency Rules : સુભાષ ચંદ્રા કેસ બાદ આ 4 મોટા ફેરફારોથી કંપનીઓમાં ખલબલી!
Back to top button