ટ્રેન્ડિંગ

દેશની પ્રથમ બુલેટ ટ્રેન કેવી હશે? અશ્વિની વૈષ્ણવે બતાવી પહેલી ઝલક

First glimpse of the bullet train: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની ઝલક શેર કરી હતી. તેમણે પોતાના ‘X’ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું હતું, “શું તમે તૈયાર છો? ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નિર્માણ.”

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, આગામી વર્ષે મે અથવા જૂન મહિના સુધીમાં બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે પાટા પર દોડતી જોવા મળશે. એકવાર બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુસાફરો વડોદરાથી મુંબઈ સુધીની મુસાફરી માત્ર 90 મિનિટમાં પૂર્ણ કરી શકશે. બેંગલુરુમાં આયોજિત ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 2થી 4 મહિના સુધી ટેસ્ટિંગ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.

માત્ર દોઢ કલાકમાં પૂર્ણ થશે વડોદરાથી મુંબઈની મુસાફરી

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનથી પ્રેરિત થઈને ભારતમાં બનાવવામાં આવી રહેલી બુલેટ ટ્રેનનો પ્રથમ બોડી ફ્રેમ બે દિવસ પહેલાં જ તૈયાર થયો છે. તેને ‘સ્ક્વીઝ ટેસ્ટ’ એટલે કે દબાણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આગામી વર્ષે મે અથવા જૂન સુધીમાં ભારતની સ્વદેશી બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે પાટા પર દોડશે. 2થી 4 મહિના સુધી પરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. રેલવે મંત્રીએ જણાવ્યું કે જ્યારે મુસાફરો વડોદરાથી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે, ત્યારે તેઓ માત્ર દોઢ કલાકમાં મુંબઈ પહોંચી શકશે.

સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ સેક્શન શરૂ કરવાનો લક્ષ્યાંક

આ પહેલાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ સેક્શન આગામી વર્ષે શરૂ કરવાનો લક્ષ્યાંક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સમગ્ર રૂટ પરનું કામ અપેક્ષા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (MAHSR) કોરિડોર ભારતના સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ પ્રોજેક્ટ દેશના રેલવે ક્ષેત્રમાં હાઈસ્પીડ મુસાફરીના નવા યુગની શરૂઆત કરશે.

આ પણ વાંચો: કમલમમાં ભાજપની હાઈવોલ્ટેજ બેઠક, આગામી કાર્યક્રમો માટે તૈયાર થઈ બ્લૂપ્રિન્ટ

પીએમ મોદીએ નોર્ધર્ન બુલેટ ટ્રેન કોરિડોરને આપી મંજૂરી

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નોર્ધર્ન બુલેટ ટ્રેન કોરિડોર’ને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશને તેની પ્રથમ હાઈસ્પીડ રેલ સેવા મળવાનો માર્ગ મોકળો થશે. પ્રસ્તાવિત કોરિડોર શરૂ થયા બાદ દિલ્હીથી વારાણસી વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને માત્ર 3.5 કલાક થઈ શકે છે. આ હાઈસ્પીડ રેલ કનેક્ટિવિટીથી આ રૂટ પર મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટવાની અપેક્ષા છે. હાલમાં પરંપરાગત ટ્રેનો દ્વારા આ મુસાફરીમાં અનેક કલાકો લાગે છે.

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડમાં ભારતની જીતની હેટ્રિક, ફરી રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

Back to top button