ટ્રેન્ડિંગવર્લ્ડ

PM મોદી-ઝેલેન્સ્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, રશિયા-યુક્રેન યુદ્ધ પર થઈ ચર્ચા

Ukrainian President Volodymyr Zelenskyy with Prime Minister Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધની તાજેતરની સ્થિતિ અને ભારત-યુક્રેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા કરી હતી.

વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીને યુદ્ધની વર્તમાન સ્થિતિ અંગે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. બીજી તરફ, પીએમ મોદીએ ભારતના માનવતાવાદી અભિગમને પુનરાવર્તિત કરતાં કહ્યું હતું કે યુદ્ધનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે કરવામાં આવતા તમામ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે. તેમણે શાંતિ સ્થાપવા માટે વાતચીત અને રાજદ્વારી પ્રયાસોના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, બંને નેતાઓએ પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં ભારત અને યુક્રેન વચ્ચે સહયોગ વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના નાગરિકોના લાભ માટે સહયોગ વધુ મજબૂત બનાવવા સંમતિ દર્શાવી હતી.

કિવ પર રશિયાનો ભીષણ મિસાઇલ હુમલો

ઉલ્લેખનીય છે કે યુક્રેનની રાજધાની કિવમાં શનિવારે વહેલી સવારે રશિયાએ ભીષણ મિસાઇલ હુમલો કર્યો હતો. રાતભર ચાલેલા હુમલામાં એક બાળક સહિત ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા હતા. અનેક રહેણાક મકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓને નુકસાન થયું હતું. આ ઉપરાંત વીજળી અને પાણીની સપ્લાય પણ ખોરવાઈ હતી. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે યુક્રેન આગામી સપ્તાહે રશિયા અને અમેરિકા સાથે યુદ્ધનો અંત લાવવા માટે નવી વાટાઘાટોની તૈયારી કરી રહ્યું છે.

36 બેલિસ્ટિક મિસાઇલ અને 172 ડ્રોનથી હુમલો

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ શનિવારે જણાવ્યું હતું કે રશિયાએ રાતભર કિવ અને આસપાસના વિસ્તારોમાં 36 બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. આ ઉપરાંત કિવ સહિત યુક્રેનના અન્ય 12 વિસ્તારોમાં 172 ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં એક બાળક સહિત નવ લોકો ઘાયલ થયા હતા. ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો હતો કે રશિયા મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે. કિવના મેયર વિતાલી ક્લિત્સ્કોના જણાવ્યા અનુસાર, કિવ અને ઝિટોમિર વિસ્તારોમાં ઊર્જા મથકોને નુકસાન થયું છે. શહેરની પાણી પુરવઠા વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. હુમલા બાદ નીપર નદીના પૂર્વ કિનારે આવેલા મોટા રહેણાક વિસ્તારોને જોડતા 816 મીટર લાંબા નોર્ધર્ન બ્રિજને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:‘ફટાકડા ફોડનારાઓને જેલમાં પૂરો’! પ્રદુષણ સામે ઉર્ફી જાવેદ અને ભૂમિ પેડનેકરે વ્યક્ત કર્યો રોષ

વિસ્ફોટોથી લોકોમાં ભયનો માહોલ, બાળકોની ઊંઘ ઉડી

રશિયાના હુમલા દરમિયાન 64 વર્ષીય કાતેરિના કોર્નિચુક પોતાની પૌત્રી સાથે ઘરે હાજર હતાં. તેમણે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે પ્રથમ વિસ્ફોટના જોરદાર આંચકાથી તેઓ અને તેમના પરિવારના સભ્યો દીવાલ સાથે અથડાઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, વિસ્ફોટ બાદ લોકોમાં ભયનો માહોલ છે. કોઈને ઊંઘ આવતી નથી અને બાળકો પણ ડરના કારણે સૂઈ શકતા નથી. તેમણે બાળકોની મુશ્કેલીઓ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

મંગળવારે અબુધાબીમાં ચોથા તબક્કાની શાંતિ મંત્રણા

દરમિયાન, રશિયા, યુક્રેન અને અમેરિકાના પ્રતિનિધિઓ મંગળવારે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં બેઠક કરશે. યુદ્ધનો અંત લાવવાના હેતુથી યોજાનારી આ ચોથી ત્રિપક્ષીય મંત્રણા હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન આ વાતચીતમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.

આ પણ વાંચો:  દિવાળીની ઉજવણી બાદ અમદાવાદમાં પ્રદૂષણનો કહેર, AQIના આંકડા ચોંકાવનારા

Back to top button