ગુજરાત

અમદાવાદના મકરબામાં રૂ. 70 કરોડની જમીન કૌભાંડ: બોગસ દસ્તાવેજો બનાવી 115 વીઘા જમીન હડપનાર 8 શખસો સામે ફરિયાદ

Ahmedabad Makarba Land Fraud: અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા મકરબા ગામમાં આવેલી અંદાજે રૂ. 70 કરોડની કિંમતની 115 વીઘા વિશાળ જમીન બાબતે એક મોટું અને ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. જમીનના મૂળ માલિકો અને પરિવારના સભ્યોની કોઈ પણ પ્રકારની જાણ કે સંમતિ વગર બોગસ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની તૈયાર કરીને જમીન પચાવી પાડવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ગંભીર મામલે પીડિત ખેડૂતે અમદાવાદ સીઆઈડી ક્રાઇમમાં 8 શખસો વિરુદ્ધ સત્તાવાર ઠગાઈ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા રિયલ એસ્ટેટ અને જમીન માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ખેડાના ખેડૂતની પૂર્વજોની જમીન પર નજર

પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડા જિલ્લામાં રહેતા 54 વર્ષીય અમરતજી ઠાકોર ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2022 માં તેમના પિતા પ્રતાપજી ઠાકોરનું અવસાન થયું હતું. અમરતજી ઠાકોરના નાના ચુંડાજી બાપુજી ઠાકોરની અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મકરબા ગામની સીમમાં આશરે 115 વીઘા જમીન આવેલી છે, જેની વર્તમાન બજાર કિંમત અંદાજે રૂ. 70 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. પિતાના અવસાન બાદ પરિવારજનો પોતાની વડીલોપાર્જીત જમીનની વારસાઈ અને હક્ક બાબતે સક્રિય થયા ત્યારે આ મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

કોરા કાગળો પર સહી કરવાનો ઇનકાર

મૂળ માલિકો સાથે છેતરપિંડીનો સિલસિલો વર્ષ 2003 થી શરૂ થયો હતો. નાનાના અવસાન બાદ અમરતજીના મામા, માસા સહિત ચાર લોકો તેમના ઘરે આવ્યા હતા અને મકરબાની જમીનમાં વારસાઈ કરવાના બહાને કોરા કાગળ પર સહી તથા અંગૂઠાની નિશાની માંગી હતી. જોકે, જાગૃત ખેડૂત અમરતજીએ કોરા કાગળ પર સહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને વારસાઈનું ફોર્મ ભરીને તલાટીની રૂબરૂમાં જ સહી કરી આપવાની વાત કહી હતી. ત્યારબાદ થોડા દિવસો પછી અમરતજીના માસા પ્રહલાદજી ઠાકોર, ગીરીશભાઈ ત્રિવેદી અને વિપુલ એચ. રાવલ નામના બે વકીલોને સાથે લઈને ફરીથી અમરતજીના ઘરે પહોંચ્યા હતા અને કાગળો પર સહી કરવા માટે ભારે દબાણ કર્યું હતું, પરંતુ અમરતજી પોતાની વાત પર અડગ રહ્યા હતા અને સહી કરવાથી સાફ ન પાડી દીધી હતી.

તલાટીની કચેરીમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો

અમરતજીએ સહી ન કરવા છતાં આરોપીઓએ કારસા રચવાનું ચાલુ રાખ્યું હતું. એકાદ મહિના બાદ અમરતજીને જાણ થઈ કે તેમની જાણ બહાર વડીલોપાર્જીત જમીનમાં અન્ય લોકોના નામ ઉમેરી દેવામાં આવ્યા છે. આ શંકાના આધારે તેઓ તલાટીની ઓફિસે પહોંચ્યા અને રેકર્ડની તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી કે ડિસેમ્બર 2023 માં પરિવારની કોઈ પણ લેખિત કે મૌખિક સંમતિ લીધા વગર તેમનો હક્ક છીનવી લેવામાં આવ્યો છે અને અન્ય ઇસમોના નામ દાખલ કરી દેવાયા છે. આરોપીઓએ પરિવારની ખોટી જનરલ પાવર ઓફ એટર્ની (GPA) તૈયાર કરીને કરોડોની કિંમતની આ વિશાળ જમીન અન્યને વેચી દીધી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

CID ક્રાઇમે 8 આરોપીઓ સામે નોંધ્યો ગુનો

આ ગંભીર કૌભાંડ સામે આવતા અમરતજીએ મકરબાના તલાટી સમક્ષ લેખિત અરજી આપીને ન્યાયની માંગ કરી હતી. ત્યારબાદ મામલો CID ક્રાઇમ સુધી પહોંચ્યો હતો. અમદાવાદ સીઆઈડી ક્રાઈમે આ પ્રકરણે બાબરજી ચુડાજી ઠાકોર, પ્રહલાદજી કરશનજી ઠાકોર, ગીરીશ ત્રિવેદી, વિપુલ એચ. રાવલ, ભીખા પરષોતમભાઈ વાઘાણી, ધીરુ વાઘાભાઈ કાકડિયા, ગગજી બાલાભાઈ દેસાઈ અને ડે.કે. વ્યાસ સહિત કુલ 8 શખસો વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવવાની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: ગીરમાં ગેરકાયદે સિંહદર્શન કરાવનારાઓથી સાવધાનઃ દિવાળીની રજાઓમાં વન વિભાગની ચેતવણી, પકડાયા તો જેલ થઈ શકે

Back to top button