ગીરમાં ગેરકાયદે સિંહદર્શન કરાવનારાઓથી સાવધાનઃ દિવાળીની રજાઓમાં વન વિભાગની ચેતવણી, પકડાયા તો જેલ થઈ શકે

Gir Lion Safari: દિવાળીની રજાઓમાં ગીરના જંગલમાં એશિયાઈ સિંહનાં દર્શન કરવા જવાનું આયોજન કરી રહ્યા છો? તો સાવધાન થઈ જજો! કારણ કે સસ્તામાં કે ખાસ ઓફરના નામે ગેરકાયદે સિંહદર્શન કરાવવાની લાલચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. દિવાળીના તહેવારો દરમિયાન ગીરમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. વન વિભાગે પ્રવાસીઓને અનધિકૃત સિંહદર્શન અને પરવાનગી વિના જંગલમાં પ્રવેશ કરાવતાં તત્ત્વોથી દૂર રહેવા અપીલ કરી છે.
ગેરકાયદે સિંહદર્શનની ઓફર આપનારાઓથી સાવધાન
ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વનસંરક્ષક પ્રશાંત તોમરે જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરની પ્રાકૃતિક સુંદરતા અને એશિયાઈ સિંહોને નિહાળવા આવે છે. આ સમયગાળામાં કેટલાક અસામાજિક તત્ત્વો પ્રવાસીઓને આકર્ષક ઓફર આપીને ગેરકાયદે સિંહદર્શન કરાવવાની અથવા પરવાનગી વિના જંગલમાં પ્રવેશ કરાવવાની લાલચ આપે છે. આવી લાલચમાં આવીને પ્રવાસીઓ અજાણતાં જ વન્યજીવ સંબંધિત ગુનામાં સંડોવાઈ શકે છે. પરિણામે રજાઓનો આનંદ કાનૂની કાર્યવાહી અને સજામાં ફેરવાઈ શકે છે.
જંગલ વિસ્તારમાં વન વિભાગનું સઘન પેટ્રોલિંગ
પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગીર પશ્ચિમ વન વિભાગે સુરક્ષા અને દેખરેખ વધારી છે. જૂનાગઢ સહિતના જંગલ વિસ્તારો, સરહદી પટ્ટાઓ અને વન્યજીવોની વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા વન વિભાગની ટીમો ખાસ નજર રાખી રહી છે.
આ અધિકૃત સ્થળોએ જ કરો સિંહદર્શન
વન વિભાગે પ્રવાસીઓને માત્ર અધિકૃત પ્રવાસન સ્થળોએથી જ સિંહદર્શનનો આનંદ માણવા અપીલ કરી છે. આ માટે સાસણ ગીર, દેવળિયા, આંબરડી બરડા અને ગિરનાર સફારી જેવા અધિકૃત પ્રવાસન સ્થળોનો વિકલ્પ ઉપલબ્ધ છે. અહીં નિયત નિયમો અને પરવાનગી અનુસાર પ્રવાસીઓ સુરક્ષિત રીતે વન્યજીવોને નિહાળી શકે છે.
ગેરકાયદે પ્રવેશ બદલ થઈ શકે છે કાર્યવાહી
વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સંરક્ષિત જંગલ વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કરવો અથવા ગેરકાયદે રીતે સિંહદર્શન કરાવવું એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સજાપાત્ર ગુનો છે. તેથી પ્રવાસીઓએ કોઈ અજાણી વ્યક્તિની ઓફર કે લાલચમાં આવીને જોખમ લેવું નહીં.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં ગીરમાં પ્રવાસીઓનો ધસારો
દિવાળી ઉપરાંત ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન પણ ગીર પંથકમાં પ્રવાસીઓની મોટી સંખ્યામાં અવરજવર રહે છે. આ સમયગાળો ગીરના પ્રવાસન માટે સૌથી વ્યસ્ત મોસમમાં સામેલ છે. વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી રહેઠાણ ગુજરાતમાં આવેલું હોવાથી દેશ-વિદેશના પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવે છે. ભારતના પ્રવાસન મંત્રાલયના ઈન્ડિયા ટૂરિઝમ ડેટા કમ્પેન્ડિયમ, 2025 અનુસાર વર્ષ 2024માં સ્થાનિક પ્રવાસીઓની કુલ મુલાકાતોમાં ગુજરાતનો હિસ્સો 6.24 ટકા અને વિદેશી પ્રવાસીઓની કુલ મુલાકાતોમાં રાજ્યનો હિસ્સો 10.86 ટકા રહ્યો હતો. આથી દિવાળીની રજાઓમાં ગીરની મુલાકાત લેતા પ્રવાસીઓએ વન વિભાગના નિયમોનું પાલન કરવું અને સિંહદર્શન માટે માત્ર અધિકૃત પ્રવાસન વ્યવસ્થાનો જ ઉપયોગ કરવો જરૂરી છે.
આ પણ વાંચોઃ 3 મહિનાથી ખાલી છે વ્હાઈટ હાઉસનું પ્રેસ સેક્રેટરી પદ, UFC ચીફ ડાના વ્હાઇટે ઓફર ઠુકરાવી












