દાહોદના કરંબા ગામે જૂની અદાવતે લીધું ઉગ્ર સ્વરૂપ: વ્યક્તિને બંધક બનાવ્યા બાદ 112 પોલીસ ટીમ પર પથ્થરમારો

Sanjeli Karamba Clash: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે જૂની અદાવત અને અકસ્માતના વિવાદને લઈને બે જૂથો વચ્ચે ભારે તણાવ બાદ ઉગ્ર ઘર્ષણ સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. જૂના અકસ્માતના વિવાદમાં એક વ્યક્તિને બંધક બનાવીને રાખવામાં આવતા, તેને છોડાવવા માટે પહોંચેલી 112 ઇમરજન્સી પોલીસની ટીમ પર સ્થાનિક ટોળાએ ઉશ્કેરાઈને પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં પોલીસનાં બે સરકારી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ASP અને DYSP સહિતના વિશાળ પોલીસ કાફલાએ ગામમાં પહોંચીને મોરચો સંભાળ્યો હતો અને 35 થી વધુ મહિલાઓ તથા પુરુષોને રાઉન્ડઅપ કર્યા છે.
જૂના અકસ્માતમાં યુવકના મોતથી શરૂ થઈ હતી અદાવત
પોલીસના જણાવ્યા અનુસાર, ગત 10 જુલાઈ, 2026 ના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઈશ્વર કીડીયાના પુત્રનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને શૈલેષ ચારેલના પરિવાર વચ્ચે અદાવત ચાલી રહી હતી. શૈલેષ અકસ્માત સમયે ઇકો કારમાં મૃતક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયો હોવાની બાબતને લઈને સામા પક્ષે તેના પરિવાર સામે રોષ રાખ્યો હતો. આ જૂના વિવાદનું કોઈ યોગ્ય સમાધાન નહીં આવવાના કારણે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી અંદરખાને તણાવ ચાલી રહ્યો હતો, જે અંતે હિંસક અથડામણમાં પરિણમ્યો હતો.
કાળુ વારસિંગને બંધક બનાવતા 112 પોલીસ ટીમ પહોંચી
આ વિવાદ વધુ વણસતા શૈલેષના પિતા કાળુ વારસિંગ ચારેલને કેટલાક શખ્સો દ્વારા બાંધીને રાખવામાં આવ્યા હોવાની માહિતી પરિવારજનોને મળી હતી. જેથી તાત્કાલિક 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગવામાં આવી હતી. કોલ મળતા જ લીમડી પોલીસ સ્ટેશનના 112 વાહનના હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે કરંબા ગામે પહોંચ્યા હતા. જ્યાં કાળુ વારસિંગ ચારેલને કેટલાક લોકોએ ખરેખર બંધક બનાવી રાખ્યા હોવાનું જણાતા પોલીસે તેમને છોડાવવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસ પર ઉગ્ર પથ્થરમારો
કાળુ વારસિંગ ચારેલને મુક્ત કરાવવા માટે પોલીસ આગળ વધી ત્યારે સુલતાન રાજસિંહ, કમલેશ બચુ, છગન કીડીયા, મગન કીડીયા, ગુલાબ કીડીયા, કનુ કીડીયા, શાંતુ પુંજા, ઈશ્વર કીડીયા અને અજય છગન સહિતના અનેક શખ્સો તથા મહિલાઓ પોલીસ સામે વિરોધ કરવા ઉતરી આવ્યા હતા. તેમણે અકસ્માતના કેસમાં સમાધાન ન થાય ત્યાં સુધી પોલીસને ગામમાં પ્રવેશવા નહીં દેવાની જીદ પકડીને ઉગ્ર માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ 112 ની સરકારી ગાડી પર અંધાધૂંધ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે ગાડીના કાચ તૂટી ગયા હતા. આ પથ્થરમારામાં ઘટનાસ્થળે પહોંચેલા કરંબા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના વાહનને પણ નુકસાન થયું હતું, જોકે રાહતની વાત એ રહી કે કોઈ પણ પોલીસ કર્મચારીને ગંભીર ઈજા થઈ નહોતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
DYSP અને LCB-SOG નો મોટો કાફલો તૈનાત
ઘટનાની ગંભીરતાને જોઈને લીમડી પોલીસ સ્ટેશનના PSI વી.જી. ગોહિલ અને PI વસંત પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ ઝાલોદના DYSP ડી.આર. પટેલ પણ ડિવિઝનની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે LCB, SOG, સંજેલી, ઝાલોદ, લીમડી અને સુખસર પોલીસ મથકનો વિશાળ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો. DYSP ડી.આર. પટેલે જણાવ્યું હતું કે પોલીસે સઘન કાર્યવાહી કરીને 17 થી 18 મહિલાઓ અને 17 થી 18 પુરુષો મળીને કુલ 35 થી વધુ લોકોને રાઉન્ડઅપ કર્યા છે. કાળુ વારસિંગ ચારેલની ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર અન્ય આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, E1 કોચનો કાચ તૂટ્યો












