સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, E1 કોચનો કાચ તૂટ્યો

Sabarmati-Veraval Vande Bharat Express Stone Pelting: દેશની સેમી-હાઈસ્પીડ અને પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર અસામાજિક તત્વોના નિશાને આવી છે. રવિવારે સવારે સાબરમતીથી વેરાવળ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અજાણ્યા શખ્સો દ્વારા જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાને કારણે ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચની બારીનો કાચ તૂટીને ચકનાચૂર થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સવારે 9:45 વાગ્યે અચાનક પથ્થરો ત્રાટક્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, આ બનાવ રવિવારે સવારે આશરે 9:45 વાગ્યાની આસપાસ બન્યો હતો. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ જ્યારે ખીજડિયા રેલવે સ્ટેશન પસાર કરીને ચિતલ તરફ આગળ વધી રહી હતી, ત્યારે અજાણ્યા અસામાજિક તત્વોએ ચાલતી ટ્રેન પર જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
સીટ 9, 10 અને 5, 6 પાસેના કાચ નિશાને બન્યા
પથ્થરમારા દરમિયાન ટ્રેનના E1 કોચની ડાબી બાજુએ સીટ નંબર 9 અને 10 ની બરાબર બાજુમાં આવેલી બારીનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. આ ઉપરાંત સીટ નંબર 5 અને 6 નજીકની બારી પર પણ પથ્થરો વાગ્યા હતા. બારીનો કાચ તૂટતાં જ કોચમાં બેઠેલા મુસાફરોમાં થોડી ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે કાચ અંદર સુધી ન ધસી આવતાં મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ “મારા લગ્ન કેમ નથી કરાવતા?” દિવાળીના દિવસે નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા
સાવચેતીના ભાગરૂપે ટ્રેન થોભાવી દેવાઈ
પથ્થરમારો થતાં જ ટ્રેન મેનેજરે તાત્કાલિક ધોરણે ઓન-ડ્યુટી રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો અને સંબંધિત રેલવે અધિકારીઓને એલર્ટ કર્યા હતા. સાવચેતીના પગલાં તરીકે ટ્રેનને તાકીદે થોભાવી દેવામાં આવી હતી. રેલવે સ્ટાફ અને સુરક્ષા જવાનોએ કોચની અંદર જઈ તમામ મુસાફરોની સ્થિતિ તપાસી હતી. કોઈ પણ પ્રવાસીને ઈજા ન થઈ હોવાની ખાતરી થયા બાદ ટ્રેનને વેરાવળ તરફ રવાના કરવામાં આવી હતી.
RPFએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ બનાવ અંગે સ્થાનિક RPF ની ટીમે તાત્કાલિક અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રેલવે ટ્રેકની આસપાસના ગ્રામીણ વિસ્તારો અને ઘટનાસ્થળની આસપાસ પૂછપરછ હાથ ધરીને પથ્થરમારો કરનારા તત્વોની ભાળ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’ નો બોક્સ ઓફિસ પર દબદબો: ચોથા દિવસે કમાણી ₹219.70 કરોડને પાર












