અમદાવાદમાં કરોડોની ઠગાઈનો પર્દાફાશ: કરોડોના સ્કૂલ બેગનો ઓર્ડર અપાવવાની લાલચ આપી વેપારી સાથે લાખોની છેતરપિંડી!

Paldi Businessman Scam Assam School Bag Order: અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લુચ્ચાઈ ભરેલો આર્થિક ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આસામની એક સરકારી સંસ્થામાંથી રૂ. 31 કરોડ જેટલા માતબર રકમનો સ્કૂલ બેગ બનાવવાનો ઓર્ડર અપાવવાનું કહીને ત્રણ શખસોએ એક વેપારી સાથે આશરે ₹24.16 લાખની મસમોટી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. વેપારીએ નફાકારક કામ મેળવવાની લાલચમાં આરોપીઓના કહેવા મુજબ તબક્કાવાર કુલ ₹39.16 લાખ ચૂકવ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી કામ ન મળતા જ્યારે નાણાં પરત માંગવામાં આવ્યા ત્યારે આરોપીઓએ માત્ર ₹15 લાખ પરત કરીને બાકીના નાણાં ભૂલી જવાની ધમકી આપી હતી. આ મામલે પીડિત વેપારીએ ક્રાઈમ બ્રાન્ચના આર્થિક અપરાધ નિવારણ શાખા (EOW) માં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
આસામમાં મુલાકાત બાદ શરૂ થયું હતું કારસ્તાન
મૂળ પાલડી વિસ્તારમાં રહેતા અને રાજપથ ક્લબ પાછળ પોતાની ઓફિસ ચલાવીને સરકારી ટેન્ડરોના આધારે વ્યવસાય કરતા અમન વસાવડા સાથે આ બનાવ બન્યો છે. વર્ષ 2022 દરમિયાન અમનને આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં બોટ સપ્લાય કરવાનું સરકારી કામ મળ્યું હતું, તે જ અરસામાં તેની મુલાકાત મુંબઈના સુધીર ચૌધરી અને ભોપાલના ગગન સક્સેના સાથે થઈ હતી. આ બંને શખસોએ પોતાની ઓળખ રાજ્ય સરકારમાં પાવરફુલ લાયઝનિંગ કરનાર તરીકે આપી હતી. ત્યારબાદ વર્ષ 2023 માં સુધીર અને ગગને અમનભાઈનો સંપર્ક સાધીને હેમંતાકુમાર અધિકારી નામના શખ્સ સાથે મુલાકાત કરાવી હતી, જેઓ આસામની ‘મટક ઓટોનમસ કાઉન્સિલ’ નામની સરકારી સંસ્થા ચલાવતા હોવાનું જણાવ્યું હતું.
સ્કૂલ બેગનો ઓર્ડર અપાવવાની બાંહેધરી આપી પડાવ્યા કુલ ₹39.16 લાખ
આરોપીઓએ અમનભાઈને વિશ્વાસમાં લેવા માટે હેમંતાકુમારની સરકારી સંસ્થામાંથી રૂ. 31.20 કરોડની કિંમતની સ્કૂલ બેગ્સ બનાવવાનો મોટો ઓર્ડર અપાવવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને અમનભાઈએ પોતાની ઓફિસમાં કામ કરતા જયદીપ નામના કર્મચારીને રૂ. 10 લાખ રોકડા આપીને કામ મેળવવા માટે મોકલ્યો હતો. જયદીપે અમનભાઈની સૂચના મુજબ ગગન, સુધીર અને હેમંતાને આ રકમ સોંપી હતી. ત્યારબાદ કમિશન અને પ્રોસેસિંગના નામે ટુકડે-ટુકડે કરીને અમનભાઈએ કુલ ₹39.16 લાખ ચૂકવી દીધા હતા, છતાં કોઈપણ પ્રકારનું સરકારી કામકાજ આગળ વધ્યું નહોતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પૈસા પરત માંગતા આરોપીઓએ આપી ધમકી
જ્યારે અમનભાઈના કર્મચારી જયદીપે આ ત્રણેય શખસોની ગતિવિધિઓ શંકાસ્પદ હોવાનું જણાવી તેઓ ફ્રોડ હોવાની આશંકા વ્યક્ત કરી, ત્યારે અમનભાઈએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. દબાણમાં આવીને આરોપીઓએ એક ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરાવતા બે વખત રિટર્ન થઈ ગયો હતો. જ્યારે અમનભાઈએ ફરીથી ફોન કરીને બાકીના ₹24.16 લાખ માંગ્યા, ત્યારે આરોપીઓએ બેધડકપણે આ પૈસા ભૂલી જવાની ધમકી આપી હતી. આખરે પોતાની સાથે થયેલી આ ગંભીર ઠગાઈ અંગે વેપારીએ ક્રાઈમ બ્રાન્ચના EOW વિભાગમાં ગુનો દાખલ કરાવતા પોલીસે આગળની સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, ગુજરાતમાં નેટવર્ક ફેલાવવાની હતી તૈયારી












