આગાહી છતાં ન થઈ વ્યવસ્થા? જેતપુર યાર્ડમાં મગફળી પલળતાં સવાલો
Rajkot : રાજકોટ જિલ્લાના અગ્રણી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ચાલુ મોસમમાં અનિયમિત અને નહિવત વરસાદ બાદ હવે લણણી ટાણે ત્રાટકેલું માવઠું મુસીબત લઈને આવ્યું છે. યાર્ડના વિશાળ પટાંગણમાં ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવેલી સેંકડો ગુણી મગફળી વરસાદી પાણીમાં પલળી જતાં મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે યાર્ડ વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આગાહી છતાં ખુલ્લામાં કેમ રખાયો જથ્થો?
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની અગાઉથી ચેતવણી આપવામાં આવી હોવા છતાં, યાર્ડમાં કરોડો રૂપિયાની કિંમતની મગફળીનો જથ્થો ઢાંક્યા વિના ખુલ્લામાં કેમ છોડી દેવાયો તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વરસાદી ઝાપટાં શરૂ થતાં જ પટાંગણમાં પડેલી મગફળીની બોરીઓ પલળવા લાગી હતી, જેના કારણે સ્થળ પર હાજર ખેડૂતો અને નાના વેપારીઓમાં ભારે દોડધામ અને ફફડાટ મચી ગયો હતો. પાક પલળી જતાં ગુણવત્તા બગડવાની અને યોગ્ય ભાવ ન મળવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
ચેરમેનનો બચાવ: ‘પલળેલો માલ વેપારીઓનો છે, ખેડૂતોનો નહીં’
યાર્ડ સંચાલન સામે આંગળીઓ ચીંધાતાં જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેને સમગ્ર મામલે ખુલાસો રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે યાર્ડમાં નવી મગફળીની આવક બપોરથી જ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે વરસાદમાં પલળેલો માલ ખેડૂતોનો નહોતો, પરંતુ હરાજી પૂર્ણ થઈ ગયા બાદ વેપારીઓએ ખરીદેલો સ્ટોક હતો. વેપારીઓ દ્વારા નિયમિત ડિલિવરી લેવાની પ્રક્રિયા ચાલુ હોવાથી કોઈ મોટું આર્થિક નુકસાન થયું નથી.
આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ, T20Iમાં હાંસલ કરી મોટી સિદ્ધિ
વ્યવસ્થાના દાવા પોકળ સાબિત થયા
ચેરમેન દ્વારા વેપારીઓનો માલ હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં, પટાંગણમાં પાણી ભરાઈ જવાના અને ખુલ્લામાં મગફળી પલળવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવતાં યાર્ડની વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ખેડૂત અગ્રણીઓનું કહેવું છે કે માલ ભલે ખેડૂતનો હોય કે વેપારીનો, પરંતુ ખુલ્લા યાર્ડમાં તાલપત્રી કે શેડની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અંતે કૃષિ અર્થતંત્રને જ ફટકો પડે છે.












