ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, ગુજરાતમાં નેટવર્ક ફેલાવવાની હતી તૈયારી

Ahmedabad:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓ ગુજરાતને પોતાનું નવું એપીસેન્ટર બનાવી અહીં ગેરકાયદે નેટવર્ક સ્થાપવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમ મુખ્ય આરોપીને સાથે રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ધામા નાખીને સઘન ઓપરેશન ચલાવી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે પંજાબ-રાજસ્થાન બોર્ડર પર ડિલિવરી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે નશીલા દ્રવ્યોનો આ જંગી જથ્થો મુખ્યત્વે અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને આંતરરાષ્ટ્રીય સીમા પારથી ભારતમાં ઘૂસાડવામાં આવતો હતો. સરહદ પર સુરક્ષા દળોથી બચવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ભારતીય સીમાની અંદર ત્રણ કિલોમીટર સુધી પેકેટો ફેંકવામાં આવતા હતા. ત્યારબાદ પંજાબના અમૃતસર, ફિરોઝપુર તેમજ રાજસ્થાનના શ્રીગંગાનગર બોર્ડરથી સ્થાનિક પેડલરો મારફતે માલ રિસીવ કરીને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતો હતો. આ ગેરકાયદે વેપારના નાણાકીય વ્યવહારો માટે મોટા પાયે હવાલા નેટવર્કનો ઉપયોગ વિદેશોમાં ફંડિંગ મોકલવા માટે થતો હતો.

આરોપી કફીલ અંસારી અગાઉ પણ ગુજરાતમાં રેકી કરી ચૂક્યો હતો

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપી કફીલ અંસારીએ કબૂલાત કરી છે કે તે ગુજરાતમાં માર્કેટ ઊભું કરવા અને સ્થાનિક પેડલરોનું નેટવર્ક સક્રિય કરવાના ઈરાદે જ આવ્યો હતો. તે અગાઉ પણ ત્રણ વખત ગુજરાતની ગુપ્ત મુલાકાત લઈ ચૂક્યો છે અને સંભવિત ગ્રાહકો તથા લોકલ ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે સંપર્ક સાધ્યા હતા. પૂછપરછ દરમિયાન પ્રતિ કિલો ડ્રગ્સના વેચાણ પર આરોપીઓને આશરે ₹1 લાખ જેટલો ચોખ્ખો નફો મળતો હોવાની વિગતો પણ બહાર આવી છે.

આ પણ વાંચો:  ભારતની હાર બાદ અય્યરના નિર્ણય પર સવાલ, વૈભવ સૂર્યવંશીને કેમ કર્યો બહાર?

ત્રણ રાજ્યોના સપ્લાયરો રડારમાં

ઝડપાયેલા આરોપીઓના બેંક ખાતાઓ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ચકાસણી દરમિયાન ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના વધુ ત્રણ મોટા ડ્રગ્સ સપ્લાયરોના નામ સપાટી પર આવ્યા છે, જેમને દબોચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત ગેરકાયદે ડ્રગ્સના કાળા કારોબારમાંથી ઊભી કરવામાં આવેલી આરોપીઓની તમામ સ્થાવર-જંગમ મિલકતોની ઓળખ કરી તેને એનડીપીએસ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ ટાંચમાં લેવા માટેની કાનૂની કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે.

આ પણ વાંચો:  ભારત-ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ, T20Iમાં હાંસલ કરી મોટી સિદ્ધિ
Back to top button