જૂનાગઢમાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી અંતર્ગત નાગરિક સાયકલ રેલી યોજાઈ

જૂનાગઢ, તા. 31 ઓગસ્ટ, 2025: દેશના મહાન હોકીના ખેલાડી અને ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ અંતર્ગત નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ ઓથોરિટીના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
જેના ભાગરુપે જૂનાગઢમાં આજે રવિવારે સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં શહેરના ઝાંસીની રાણી સર્કલથી મોતીબાગ સર્કલથી પરત સરદારબાગ સુધી આયોજિત રેલીમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતા. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા ઓડેદરા સહિતના અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાયકલ સવારોને શુભકામના પાઠવી લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ પણ સાયકલ રેલીમાં જોડાઈને જિલ્લાના યુવાનો બાળકો અને સૌ નાગરિકો રમત ગમતને જીવનનો હિસ્સો બનાવે તે માટે સંદેશો આપ્યો હતો. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરે જણાવ્યું કે, નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા છે. ત્રણ દિવસની વિવિધ સ્પર્ધાઓ દરમિયાન વિવિધ સંસ્થાઓ શાળા કોલેજ તેમજ જિલ્લાના ૫૦૦ જેટલા સરકારી કર્મચારીઓ અધિકારીઓ પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા. આ ત્રિદિવસીય રમતોત્સવમાં વિવિધ પ્રકારની રમતો જેવી કે દોડ, ફૂટબોલ, રસ્સા ખેંચ, સાયકલ રેલી, ગોળા ફેંક વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ આવતીકાલથી બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર












