
Gujarat News : ગુજરાતમાં ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેકશનનો વ્યાપ જેટલી ઝડપથી વધ્યો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને ભ્રામક જાહેરાતોના કિસ્સા પણ વધ્યા છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, ગુજરાતમાં ઈ-કોમર્સ ક્ષેત્રે ગ્રાહકોની ફરિયાદોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. 2024ની સરખામણીએ વર્ષ 2025માં જ ગ્રાહક ફરિયાદોમાં સીધો 33 %નો ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે, ઓનલાઈન બજારમાં ગ્રાહકો છેતરપિંડીનો મોટા પાયે ભોગ બન્યા છે.
ગુજરાતીઓ વધુ ભોગ બન્યા
જાહેર કરાયેલા અહેવાલના આંકડા મુજબ, છેલ્લા 3 વર્ષ અને ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં જ માત્ર ગુજરાતમાંથી કુલ 78,121 ફરિયાદો હેલ્પલાઈન પર નોંધાઈ ચૂકી છે. આ મામલે રાજધાની દિલ્હી પછી ગુજરાત સમગ્ર યાદીમાં દેશના મોખરાના સ્થાને છે. દર વર્ષે ઓનલાઈન છેતરપિંડી, નબળી ગુણવત્તાની પ્રોડેક્ટ્સ અને ભ્રામક જાહેરાતોનો ભોગ બનનારા ગુજરાતીઓની સંખ્યા સતત વધી રહી છે. 2026ના માત્ર શરૂઆતના 3 મહિનામાં જ આશરે 9 હજાર જેટલી ફરિયાદો આવવી એ લાલબત્તી સમાન છે.
ગુજરાતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફરિયાદોનો ગ્રાફ
- વર્ષ 2023: 20,646 ફરિયાદો
- વર્ષ 2024: 21,216 ફરિયાદો
- વર્ષ 2025: 27,480 ફરિયાદો
- વર્ષ 2026: (માત્ર 31 માર્ચ સુધી) 8,779 ફરિયાદો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કડક નિયમન જરૂરી
આ દરમિયાન એક સકારાત્મક પાસું એ છે કે, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન ગ્રાહકોની વહારે આવી રહી છે. આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાંથી જેટલી પણ ફરિયાદો (78,121) મળી છે, તે બધીય ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ગ્રાહકોની સમસ્યાઓ ઉકેલવા માટે સક્રિય કામગીરી કરાઈ રહી છે, પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કડક નિયમન લાવવો હવે અનિવાર્ય બન્યો છે. ઈ-કોમર્સ બજારમાં વધતી જતી આ ફરિયાદો જોતાં ગ્રાહકોએ ઓનલાઈન ખરીદી કરતી વખતે વધુ સતર્ક રહેવાની જરૂર છે. ભ્રામક ઓફર્સ અને અજાણી વેબસાઈટ્સથી છેતરાયા બાદ તુરંત જ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનનો સંપર્ક કરવો હિતાવહ છે.
આ પણ વાંચો : દિવાળીના તહેવારમાં RTOનો અણઘડ વહીવટ: જાહેર રજાના દિવસે પણ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ અપાતા અરજદારોને ધરમધક્કો પડ્યો












