યમનની જેલ પર એરસ્ટ્રાઈકમાં બાળક સહિત 7નાં મોત, હૂતીનો સાઉદી અરેબિયા પર ગંભીર આરોપ
Yemen prison strike: યમનમાં ફરી એકવાર યુદ્ધની આગ ભડકી રહી છે. હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા પર ઉત્તર યમનની એક જેલને એરસ્ટ્રાઈકથી નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. હૂતી સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઓછામાં ઓછા 7 લોકો ઘાયલ થયા છે.
અલ-જૌફની જેલને બનાવી નિશાન
આ હુમલો યમનના ઉત્તર ભાગમાં આવેલા અલ-જૌફ પ્રાંતના અલ-હઝ્મ શહેરમાં આવેલી સેન્ટ્રલ કરેક્ટિવ ફેસિલિટી પર થયો હોવાનું હૂતી જૂથનું કહેવું છે. હુમલા બાદ જેલની ઇમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
હૂતી અધિકારીઓના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે 35 કેદીઓ ફસાયેલા હતા. પોતાના પતિને મળવા આવેલી એક મહિલા પણ કાટમાળ નીચે ફસાયેલી હોવાનું જણાવાયું છે.
હુમલા બાદના વીડિયો સામે આવ્યા
હૂતી સંચાલિત અલ-મસીરા ટીવીએ હુમલા બાદના વીડિયો જાહેર કર્યા છે. વીડિયોમાં જેલની ઇમારતનો ધરાશાયી થયેલો ભાગ, મોટા પ્રમાણમાં કાટમાળ અને બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમો દેખાતી હતી.
હૂતી મીડિયા પ્રમાણે બચાવકર્મીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાની કામગીરી કરી રહ્યા હતા. જોકે, હુમલો સાઉદી અરેબિયાએ જ કર્યો હોવાના હૂતીના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
હૂતી પ્રવક્તાની સાઉદી અરેબિયાને ચેતવણી
હૂતી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારીએ સાઉદી અરેબિયા પર અલ-જૌફમાં હવાઈ હુમલા અને ‘નરસંહાર’ કરવાનો આરોપ લગાવ્યો છે.
સારીે ચેતવણી આપતાં કહ્યું કે યમન સામે ચાલી રહેલી સાઉદી કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે અને હુમલાઓ પરિણામ વિના નહીં રહે.
ચાર સાઉદી ડ્રોન તોડી પાડ્યાનો પણ દાવો
યાહ્યા સારીે વધુમાં દાવો કર્યો છે કે હૂતી દળોએ છેલ્લા 24 કલાક દરમિયાન સાઉદી અરેબિયાના ચાર રિકોનિસન્સ ડ્રોન તોડી પાડ્યા છે. તેમાં એક ડ્રોન અલ-બૈદા પ્રાંતમાં કાર્યવાહી કરી રહ્યો હોવાનો પણ હૂતીનો દાવો છે.
સાઉદી અરેબિયાએ હૂતીના જેલ પર હુમલા કે ડ્રોન તોડી પાડવાના દાવા અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
યમનમાં અનેક મોરચે ફરી ભીષણ લડાઈ
જેલ પર હુમલાના આરોપો એવા સમયે સામે આવ્યા છે જ્યારે યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારના સમર્થક દળો અને હૂતી વિદ્રોહીઓ વચ્ચે અનેક વિસ્તારોમાં લડાઈ તેજ બની છે.
સરકાર સમર્થિત દળોએ અલ-જૌફ, અલ-બૈદા, ધાલે અને મારિબ સહિતના મોરચે આગળ વધ્યાનો દાવો કર્યો છે. તાઈઝ અને હોદૈદાહ વિસ્તારોમાં પણ બંને પક્ષ વચ્ચે ભારે અથડામણ થઈ રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ફરી મોટા યુદ્ધનો ખતરો
યમનમાં વર્ષોથી ચાલી રહેલા ગૃહયુદ્ધ બાદ 2022થી પ્રમાણમાં શાંતિપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી, પરંતુ તાજેતરની અથડામણો બાદ ફરી મોટા પાયે યુદ્ધ શરૂ થવાની આશંકા વધી છે.
સંયુક્ત રાષ્ટ્રના યમન માટેના વિશેષ દૂત હાન્સ ગ્રુંડબર્ગે પણ તમામ પક્ષોને સંયમ રાખવા અને લડાઈ રોકવા અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે હાલની સ્થિતિ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.
આ પણ વાંચો: ‘મારું અપહરણ થયું નથી, હું મરજીથી અશોક સાથે ગઈ’: કિંજલ રબારીનો પોલીસ કમિશનરને પત્ર












