અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘મારું અપહરણ થયું નથી, હું મરજીથી અશોક સાથે ગઈ’: કિંજલ રબારીનો પોલીસ કમિશનરને પત્ર

અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં આવેલા CBD મોલ નજીકથી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણના મામલે હવે નવો વળાંક આવ્યો છે. વીડિયો જાહેર કરીને અપહરણની વાત નકાર્યા બાદ કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PIને પત્ર લખીને પોતાની તરફની વિગતો રજૂ કરી છે. કિંજલે પત્રમાં દાવો કર્યો છે કે તેનું અપહરણ થયું નહોતું અને તે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે ગઈ હતી.

2 મે 2024ના રોજ અશોક ચૌધરી સાથે લગ્ન કર્યાનો દાવો

કિંજલ રબારીએ પોલીસને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અભ્યાસ દરમિયાન તેની ઓળખ અશોક ચૌધરી સાથે થઈ હતી અને બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. કિંજલના જણાવ્યા અનુસાર બંનેએ જીવનભર સાથે રહેવાનો નિર્ણય કરીને 2 મે 2024ના રોજ હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા.

કિંજલનો દાવો છે કે લગ્ન બાદ બંનેએ પોતાના પરિવારજનોને આ સંબંધ સ્વીકારવા વિનંતી કરી હતી, પરંતુ પરિવાર તરફથી સ્વીકૃતિ ન મળતાં 10 માર્ચ 2026ના રોજ તેણે પિતાનું ઘર છોડ્યું અને અશોક સાથે પતિ-પત્ની તરીકે રહેવા લાગી હતી.

‘મને બળજબરીથી ઘરે લઈ જઈ ગોંધી રાખી’

કિંજલે પત્રમાં પોતાના પિયર પક્ષ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેના દાવા મુજબ પરિવારના લોકો તેને અશોકથી અલગ કરીને ઘરે લઈ ગયા હતા અને તેને ઘરની બહાર જવાની મંજૂરી પણ આપવામાં આવતી નહોતી.

કિંજલનો વધુમાં આક્ષેપ છે કે તેનો મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યો હતો અને તેની મરજી વિરુદ્ધ રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી કરાવવામાં આવી હતી. કિંજલે એવો પણ દાવો કર્યો છે કે તે અશોક ચૌધરીથી છૂટાછેડા લેવા ઇચ્છતી નહોતી અને કોર્ટની કાર્યવાહી દરમિયાન પણ તેની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. આ તમામ બાબતો કિંજલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે અને તેની સ્વતંત્ર કાનૂની ચકાસણી થવાની બાકી છે.

‘મારી મરજી વિરુદ્ધ મુકેશ સાથે રહેવા મોકલવામાં આવી’

કિંજલે પોલીસને આપેલી રજૂઆતમાં એવો પણ દાવો કર્યો છે કે પરિવાર દ્વારા તેની મરજી વિરુદ્ધ તેને મુકેશ દેસાઈ સાથે રહેવા મોકલવામાં આવી હતી. જોકે, પોલીસ અધિકારીના અગાઉના નિવેદનને ટાંકતા અહેવાલોમાં કિંજલ અને નરસી ઉર્ફે મુકેશ રબારી મૈત્રી કરારથી સાથે રહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

કિંજલના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિ વચ્ચે તેને તક મળતાં તેણે અશોક ચૌધરીનો સંપર્ક કર્યો હતો.

‘6 સપ્ટેમ્બરે પોતાની મરજીથી અશોક સાથે ગઈ’

કિંજલે પત્રમાં જણાવ્યું છે કે 6 સપ્ટેમ્બર 2026ના રોજ તે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે ગઈ હતી. તેણે સ્પષ્ટ દાવો કર્યો છે કે તેનું કોઈએ અપહરણ કર્યું નથી અને તેની સાથે કોઈ જબરદસ્તી પણ કરવામાં આવી નથી.

કિંજલે આ પહેલાં વીડિયો જાહેર કરીને પણ કહ્યું હતું કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી અશોક પાસે ગઈ છે.

CBD મોલ બહાર શું બન્યું હતું?

6 સપ્ટેમ્બરે ચાંદખેડાના CBD મોલ બહાર બનેલી ઘટનાને પગલે પોલીસમાં કથિત અપહરણ અંગે જાણ કરવામાં આવી હતી. ફરિયાદ કરનાર મુકેશના જણાવ્યા પ્રમાણે તેઓ કિંજલ સાથે મોલમાં ફિલ્મ જોવા આવ્યા હતા. ફિલ્મ દરમિયાન કિંજલે તબિયત સારી ન હોવાનું કહેતા બંને બહાર આવ્યા હતા.

ત્યારબાદ કાળા રંગની કાર ત્યાં આવી હતી અને કિંજલને કારમાં લઈ જવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ જાણ મળતાં ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી.

CCTV બાદ અપહરણના દાવા પર ઊભા થયા સવાલ

પોલીસે તપાસેલા CCTV ફૂટેજ અંગેના અહેવાલોમાં કિંજલ પોતે કારનો દરવાજો ખોલીને અંદર બેસતી દેખાતી હોવાનું સામે આવ્યું હતું. આ ફૂટેજ બાદ ઘટના ખરેખર અપહરણની હતી કે કિંજલ પોતાની મરજીથી ગઈ હતી તે મુદ્દે તપાસનો દોર બદલાયો હતો.

થોડા સમય બાદ કિંજલનો વીડિયો સામે આવ્યો અને તેણે પણ અપહરણની વાત નકારી કાઢી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ સમક્ષ પરિવાર સામે કાર્યવાહી કરવાની વિનંતી

પત્રમાં કિંજલે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે તેના પરિવારના સભ્યો અથવા મુકેશ તરફથી ખોટી કાર્યવાહી કે ફરિયાદ થઈ શકે છે. આ કારણસર તેણે પોતાની તરફનો જવાબ પોલીસ સમક્ષ રજૂ કર્યો હોવાનું જણાવ્યું છે.

આ સમગ્ર મામલે એક તરફ ફરિયાદ અને અગાઉના સંબંધોને લગતા દાવા છે, તો બીજી તરફ કિંજલ રબારી દ્વારા પરિવાર પર બળજબરીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસ હાલ ઉપલબ્ધ CCTV, ફરિયાદ, વીડિયો સ્ટેટમેન્ટ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ગિલે અભિષેકની ઓવરમાં ફટકાર્યા 2 છગ્ગા-1 ચોગ્ગો, છેલ્લા બોલે અભિષેકે લીધો બદલો

Back to top button