હાથમાં ફોન લીધા વિના વોટ્સએપ પર મોકલી શકાશે મેસેજ, જાણો શું છે આ નવું ફીચર

WhatsApp New Feature: વિશ્વપ્રસિદ્ધ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) પોતાના યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે સતત નવા ફીચર્સ લાવી રહ્યું છે. હવે કંપની એક એવા ખાસ ફીચર પર કામ કરી રહી છે, જેની મદદથી યુઝર્સ મેસેજ પહેલાથી જ ટાઈપ કરીને નક્કી કરેલા ચોક્કસ સમયે મોકલવા માટે શેડ્યૂલ કરી શકશે. રિપોર્ટ અનુસાર, કંપની એન્ડ્રોઈડના કેટલાક બીટા યુઝર્સ સાથે ‘શેડ્યૂલ મેસેજીસ’ (Scheduled Messages) ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ફીચરનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થશે જેઓ કોઈને જન્મદિવસની શુભકામનાઓ આપવા માગે છે, કોઈ મહત્વપૂર્ણ માહિતી મોકલવી છે અથવા કોઈ ચોક્કસ સમયે ગ્રુપમાં મેસેજ કરવો છે. સૌથી સારી વાત એ છે કે મેસેજ મોકલવાના સમયે ફોન હાથમાં રાખવાની કે એપ ખુલ્લી રાખવાની જરૂર પણ નહીં પડે.
વોટ્સએપ પર કેવી રીતે કામ કરશે Scheduled Messages ફીચર?
WABetaInfo ના રિપોર્ટ અનુસાર, આ ફીચર Android beta વર્ઝન 2.26.40.7 નો ઉપયોગ કરતા કેટલાક પસંદગીના યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.
-
મેસેજ શેડ્યૂલ કરવા માટે યુઝરે સૌથી પહેલા ચેટ બોક્સ ખોલીને મેસેજ ટાઈપ કરવો પડશે.
-
ત્યારબાદ ‘Send’ બટનને થોડીવાર દબાવી રાખવાથી (Hold કરવાથી) તારીખ અને સમય પસંદ કરવાનો વિકલ્પ મળશે.
-
યુઝર્સ મેસેજને ૧૦ મિનિટ પછીથી લઈને આગામી બે અઠવાડિયા (૧૪ દિવસ) સુધીના સમય માટે શેડ્યૂલ કરી શકશે.
-
આ સુવિધા માત્ર સામાન્ય ટેક્સ્ટ મેસેજ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ લિંક, ફોટો અને વીડિયો મોકલવા માટે પણ કામ કરશે. ફોટો મોકલતા પહેલા તેને એડિટ કરવાનો કે કેપ્શન ઉમેરવાનો વિકલ્પ પણ મળશે.
આ પણ વાંચોઃ ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ્સમાં ભારતનો ડબલ ધમાકો: આ ખેલાડીઓએ જીત્યા શ્રેષ્ઠ ખેલાડીના એવોર્ડ
ફોન ઓફલાઈન હશે તો પણ મોકલાશે મેસેજ
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે નક્કી કરેલો સમય આવતા જ મેસેજ આપમેળે સેન્ડ થઈ જશે. આ માટે વોટ્સએપ ચાલુ હોવું કે મોકલનારનો ફોન ઈન્ટરનેટથી કનેક્ટેડ (ઓનલાઈન) હોવું જરૂરી રહેશે નહીં.
આ ઉપરાંત, આ ફીચર ગ્રુપ ચેટ્સમાં પણ કામ કરશે. જોકે, શેડ્યૂલ કરેલો મેસેજ માત્ર એવા જ સભ્યો મેળવી શકશે જેઓ મેસેજ શેડ્યૂલ કરતી વખતે ગ્રુપમાં હાજર હતા. પાછળથી ગ્રુપમાં જોડાનારા સભ્યોને તે મેસેજ મળશે નહીં.
મોકલતા પહેલા મેસેજ ડીલીટ કરવાનો પણ મળશે વિકલ્પ
યુઝર્સને ચેટ ઈન્ફો સેક્શનમાં ‘Scheduled Messages’ જોવા માટે એક અલગ ઓપ્શન પણ મળશે. અહીંથી તેઓ નક્કી કરેલા સમયે મોકલાનારા મેસેજ ચેક કરી શકશે અને જો જરૂર પડે તો તેને મોકલાતા પહેલા ડિલીટ પણ કરી શકશે. જો કોઈ શેડ્યૂલ કરેલો મેસેજ ડિલીટ કરવામાં આવે છે, તો સામે વાળી વ્યક્તિને તેની કોઈ નોટિફિકેશન મળશે નહીં.
ક્યારે મળશે આ નવું ફીચર?
આ નવું શેડ્યૂલ મેસેજ ફીચર ફુલ્લી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને આગામી અઠવાડિયામાં તેને વધુ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, વોટ્સએપ દ્વારા હજુ સુધી આ ફીચરના ગ્લોબલ રોલઆઉટની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ ‘પોલીસ વર્દી પહેરે એટલે કાયદાથી ઉપર નથી…’: આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ












