સાયન્સ એન્ડ ટેકનોલોજી

યુરોપમાં AI અને ડેટા સેન્ટરો સામે જબરદસ્ત વિરોધ: ડબલિનથી હેલસિંકી સુધી હજારો લોકો રસ્તા પર ઉતર્યા

AI Data Centers Protests Europe: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી આજે દુનિયાભરમાં લોકો ઇમેજ બનાવવા, વીડિયો તૈયાર કરવા, પ્રશ્નોના જવાબો મેળવવા અને પોતાના રોજીંદા કાર્યો સરળ બનાવવામાં વ્યસ્ત છે. AI ને ભવિષ્યની ટેકનોલોજી માનવામાં આવી રહી છે, પરંતુ તેની પાછળ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડેટા સેન્ટરો સામે યુરોપમાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. આયર્લેન્ડની રાજધાની ડબલિનથી લઈને ફિનલેન્ડની રાજધાની હેલસિંકી સુધી હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને આ ટેકનોલોજીના વિસ્તરણ સામે મોરચો ખોલ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં પણ મહિનાઓથી AI અને ડેટા સેન્ટરોના વિરોધમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેના કારણે ટેક કંપનીઓ અને સરકારો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

એમ્સ્ટરડેમમાં માઇક્રોસોફ્ટ ડેટા સેન્ટર પર હુમલો

યુરોપમાં સૌથી મોટું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન 6 નવેમ્બરના રોજ નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં જોવા મળ્યું હતું. અહીં પ્રદર્શનકારીઓએ માઇક્રોસોફ્ટના નવા ડેટા સેન્ટરના બાંધકામ સ્થળ પર હુમલો કરી દીધો હતો. કેટલાક પ્રદર્શનકારીઓ બાંધકામ માટેની ક્રેન પર ચઢી ગયા હતા અને ત્યાં જ્વાળાઓ પ્રગટાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે અથડામણ પણ થઈ હતી. અહેવાલ મુજબ, ડચ પોલીસે પરવાનગી વિના બાંધકામ સ્થળે બળજબરીથી પ્રવેશ કરવાના આરોપમાં આશરે 150 થી 200 લોકોની અટકાયત કરી હતી. આ ઘટના બાદ માઇક્રોસોફ્ટે નિવેદન આપ્યું હતું કે કંપની લોકોના શાંતિપૂર્ણ વિરોધના અધિકારનું સન્માન કરે છે, પરંતુ કાયદો તોડતી કે સુરક્ષા જોખમમાં મૂકતી ગતિવિધિઓને સમર્થન આપતી નથી.

ડબલિન અને હેલસિંકીમાં હજારો લોકોનો વિરોધ

એમ્સ્ટરડેમ ઉપરાંત 7 નવેમ્બરના રોજ આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં પણ ડેટા સેન્ટરોના વિરોધમાં એક વિશાળ રેલી નીકળી હતી. અહેવાલ મુજબ આ પ્રદર્શનમાં આશરે 2,000 લોકોએ ભાગ લીધો હતો. વિરોધીઓએ ડબલિનના પાર્નેલ સ્ક્વેરથી આઇરિશ સંસદ સુધી કૂચ કરીને માંગ કરી હતી કે જ્યાં સુધી ડેટા સેન્ટરોના પર્યાવરણીય અને જાહેર પ્રભાવોનું યોગ્ય મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી નવા ડેટા સેન્ટરોના નિર્માણ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવે. આ જ પ્રકારે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં પણ આશરે 1,300 લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફિનિશના અન્ય નાના શહેરોમાં પણ આવા વિરોધો જોવા મળ્યા હતા. ‘સ્ટોપ ડર્ટી ડેટા સેન્ટર્સ’ નામના અભિયાન હેઠળ પર્યાવરણીય અને સ્વદેશી અધિકાર જૂથો એકઠા થઈને સરકાર સમક્ષ વિરોધ નોંધાવી રહ્યા છે.

ડેટા સેન્ટરો વીજળી અને પાણીનો બેફામ વપરાશ કેમ કરે છે?

લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે આ ડેટા સેન્ટરો આટલી બધી વીજળી અને પાણીનો વપરાશ કેમ કરે છે. ડેટા સેન્ટરને ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ માટેનું એક વિશાળ વેરહાઉસ માની શકાય. જ્યારે પણ કોઈ યૂઝર ક્લાઉડમાં ફોટા સેવ કરે, વીડિયો જુએ કે AI ચેટબોટને સવાલ પૂછે, ત્યારે દુનિયાના કોઈક ખૂણે આવેલા ડેટા સેન્ટરમાં સર્વર્સ સતત કામ કરી રહ્યા હોય છે. AI ની માંગ વધવાની સાથે આ સર્વર્સની સંખ્યા અને કમ્પ્યુટિંગ પાવર પણ અનેકગણી વધી ગઈ છે. સતત ચાલતા આ સર્વર્સ ખૂબ ગરમ થાય છે, જેને ઠંડા રાખવા માટે શક્તિશાળી કૂલિંગ સિસ્ટમ અને વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. આ કારણે સ્થાનિક નાગરિકો ચિંતિત છે કે જો આવા સેન્ટરો વધશે તો સામાન્ય જનતા માટે વીજળી અને પાણીની ભારે અછત સર્જાશે અને સામાન્ય લોકોના વીજળીના બિલમાં ધરખમ વધારો થશે.

આયર્લેન્ડમાં વીજળીનો 23% હિસ્સો ડેટા સેન્ટરો વાપરે છે!

આયર્લેન્ડ હાલમાં યુરોપના સૌથી મોટા ડેટા સેન્ટર હબ પૈકીનું એક છે, જ્યાં માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલ જેવી ટેક કંપનીઓએ અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. એક આઇરિશ એજન્સીના ડેટા મુજબ, વર્ષ 2025 માં દેશના કુલ મીટર કરેલ વીજળી વપરાશમાં માત્ર ડેટા સેન્ટરોનો હિસ્સો જ 23% જેટલો મોટો રહ્યો હતો. આ આંકડો દર્શાવે છે કે દેશની પાવર સિસ્ટમ માટે ડેટા સેન્ટર કેટલા હદે કેન્દ્રસ્થાને બની ગયા છે. વિરોધ કરી રહેલા નાગરિકો દલીલ કરી રહ્યા છે કે જ્યારે સામાન્ય નાગરિકો મોંઘવારી અને ઊંચા વીજ બિલનો સામનો કરી રહ્યા છે, ત્યારે મોટી મલ્ટીનેશનલ ટેક કંપનીઓને આટલી બધી વીજળી પૂરી પાડવી એ સરકારની યોગ્ય પ્રાથમિકતા ગણાય કે નહીં?

સરકારો અને કંપનીઓ મૂંઝવણમાં

આ સમગ્ર વિવાદનો બીજો એક આર્થિક પક્ષ પણ છે. ટેક કંપનીઓ ડેટા સેન્ટરો બનાવવા માટે અબજો રૂપિયાનું રોકાણ કરે છે, જેનાથી બાંધકામ ક્ષેત્રે રોજગારીનું સર્જન થાય છે, સ્થાનિક વ્યવસાયોને વેગ મળે છે અને સરકારને ટેક્સની આવક થાય છે. આઇરિશ સરકારના એક અહેવાલ મુજબ, વર્ષ 2010 થી ડેટા સેન્ટર ઉદ્યોગે દેશના અર્થતંત્રમાં 22 બિલિયન યુરોનું યોગદાન આપ્યું છે અને આશરે 17,000 નવી નોકરીઓનું સર્જન કર્યું છે તેમજ 2.8 બિલિયન યુરોનો કર ફાળવ્યો છે. આ જ કારણે સરકાર તેને એક વ્યૂહાત્મક તક માને છે. બીજી તરફ, ફિનલેન્ડમાં પણ સપ્ટેમ્બર મહિનામાં ગૂગલે 13 બિલિયન યુરોના રોકાણની જાહેરાત કરી હતી, પરંતુ પર્યાવરણીય મંજૂરી વગર જ જંગલો સાફ કરવાના આક્ષેપો બાદ તે મામલે તપાસ પણ શરૂ થઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

AI ટેકનોલોજીનો સંપૂર્ણ વિરોધ નહીં, પરંતુ પારદર્શિતા અને નિયંત્રણોની માંગ

યુરોપમાં ચાલી રહેલા આ વ્યાપક વિરોધ પ્રદર્શનોનો અર્થ એવો નથી કે લોકો AI ટેકનોલોજી કે ડિજિટલ પ્રગતિને નફરત કરે છે કે તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માંગે છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણી એ છે કે નવા અને વિશાળ ડેટા સેન્ટરોના અનિયંત્રિત નિર્માણ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને તેનાથી પર્યાવરણ તથા સમાજ પર પડનારા પ્રભાવોનું પારદર્શક મૂલ્યાંકન કરવામાં આવે. તેઓ સ્પષ્ટ ઈચ્છે છે કે આવા મોટા પ્રોજેક્ટ્સ મંજૂર કરતા પહેલા સ્થાનિક સમુદાયોને વિશ્વાસમાં લેવામાં આવે અને નિર્ણય પ્રક્રિયામાં તેમને પણ સામેલ કરવામાં આવે, જેથી ડિજિટલ ક્રાંતિના નામે સામાન્ય લોકોના મૂળભૂત અધિકારો અને પર્યાવરણ સાથે ચેડા ન થાય.

આ પણ વાંચો: Nvidia કેવી રીતે બની AIના વિશ્વમાં બાદશાહ? આજે આટલો મોટો છે વ્યવસાય

Back to top button