ગુજરાત

પોરબંદર-કચ્છમાં આગામી ત્રણ કલાક ભારે, અમદાવાદમાં જોવા મળી અસર

રાજયમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેની અસર હાલ મધ્ય ગુજરાત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. ભર શિયાળે કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. તો બીજી બાજુ પોરબંદરમાં વહેલી સવારે માવઠું પડતા ઠંડીનું જોર પણ વધ્યું છએ.

અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ગુજરાતભરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી એકવાર ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં પણ ઠંડીના ચમકારા વચ્ચે વરસાદી ભેજ અનુભવાઈ રહ્યો છે. પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સવારે માવઠું થયું હતું.

આ ઉપરાંત દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે જ ખંભાળિયામાં પણ હળવો વરસાદ થયો હોવાનો સમાચાર છે. આ વિસ્તારમાં વરસાદી છાંટા પડતા મુખ્યત્વે ખેડૂતો પરેશાન થયા છે. હજી પાક નુકસાનમાંથી માંડ ઉભા થયેલા ખેડૂતોને ફરી પાકમાં નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગે પણ કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. જે અનુસાર ગુજરાતભરમાં આગામી 48 કલાક માટે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. પોરબંદર અને કચ્છમાં આગામી ત્રણ કલાક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરશે.

Back to top button