ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી નેતા નથી, અમેરિકન નિષ્ણાતનો PM મોદી અને શી જિનપિંગ પર મોટો દાવો

અમેરિકા, 23 જાન્યુઆરી 2026:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાની આક્રમક ભાષા અને નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. તેઓ દુનિયાને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેઓ જ સૌથી શક્તિશાળી વૈશ્વિક નેતા છે. જોકે, અમેરિકન રાજકીય વિશ્લેષક ઇયાન બ્રેમર આ વાતથી સહમત નથી. તેમનું કહેવું છે કે આ “ટ્રંપનો યુગ” નથી. ભલે અમેરિકા આજે પણ દુનિયાનું સૌથી શક્તિશાળી દેશ હોય, પરંતુ વ્યક્તિગત રીતે ટ્રંપ સૌથી શક્તિશાળી નેતા નથી.

બ્રેમરે સ્પષ્ટ કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટ્રંપ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે.

શી જિનપિંગ સૌથી શક્તિશાળી નેતા

દાવોસમાં ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં ઇયાન બ્રેમરે જણાવ્યું કે દુનિયાના સૌથી શક્તિશાળી નેતા ટ્રંપ નહીં પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. તેમણે કારણ આપતાં કહ્યું કે શી જિનપિંગને મિડટર્મ ચૂંટણીનો સામનો કરવો પડતો નથી અને ત્યાં સ્વતંત્ર ન્યાયપાલિકા જેવી મર્યાદાઓ પણ નથી.
બ્રેમરનું કહેવું છે કે ટ્રંપ ત્રણ વર્ષ પછી પદ પર નહીં હોય, જ્યારે શી જિનપિંગ લાંબા સમય સુધી સત્તામાં રહેશે. આ કારણે તેઓ અનેક મુદ્દાઓ પર વધારે મજબૂત સ્થિતિમાં છે.

PM મોદીને પણ ટ્રંપથી આગળ ગણાવ્યા

ઇયાન બ્રેમરે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ટ્રંપ કરતાં વધુ અસરકારક નેતા ગણાવ્યા. તેમના મતે, લાંબા કાર્યકાળના કારણે મોદી સરકાર સુધારાઓને વધુ આક્રમક અને સ્થિર રીતે આગળ વધારી શકે છે.
બ્રેમરે કહ્યું, “લાંબા સમય સુધી સત્તામાં રહેવાથી મોદી ઘણા યુરોપિયન નેતાઓની તુલનામાં વધુ અસરકારક રીતે નિર્ણય લઈ શકે છે, જે આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈ પણ રહ્યા છીએ.”

ટ્રંપના નિર્ણયોને આગળનો રાષ્ટ્રપતિ બદલી શકે

બ્રેમરે ટ્રંપના કાર્યકાળને સ્વાભાવિક રીતે મર્યાદિત ગણાવ્યો. તેમણે જણાવ્યું કે ટ્રંપ પછી આવનાર અમેરિકન રાષ્ટ્રપતિ તેમના ઘણા નિર્ણયોને બદલી શકે છે, જેમ ટ્રંપે પોતાના પૂર્વવર્તી જો બાઇડનના ઘણા પગલાં બદલ્યા હતા.
તેમના મતે, અમેરિકામાં દર ચાર વર્ષે નેતૃત્વ બદલાતા રહેવાના કારણે નીતિઓમાં સતતતા જળવાઈ રહેતી નથી, જેના કારણે લાંબા ગાળાના પરિણામો મેળવવામાં અડચણ આવે છે.

ટ્રંપના શાસનમાં અમેરિકા પર વિશ્વાસ ઘટ્યો

બ્રેમરનું આ વિશ્લેષણ એવા સમયમાં આવ્યું છે જ્યારે ટ્રંપની નીતિઓને કારણે અમેરિકા પોતાના જૂના સાથી દેશોને પણ અસહજ બનાવી રહ્યું છે. ગ્રીનલૅન્ડને અમેરિકા સાથે જોડવાના ટ્રંપના તાજેતરના નિવેદનોને કારણે નાટો દેશો સાથે તણાવ વધ્યો છે.
નિષ્ણાતોના મતે, ટ્રંપના કારણે અમેરિકા પર આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ ઘટ્યો છે અને જૂના સાથી દેશો પણ હવે અમેરિકાની નીતિઓને લઈને શંકાસ્પદ બન્યા છે.

આ પણ વાંચો : રાજ ઠાકરેએ મોટા ભાઈ ઉદ્ધવને ઝટકો આપ્યો, એકનાથ શિંદે સાથે હાથ મિલાવ્યો

Back to top button