“ભાજપ સાથે રહેવાનો અર્થ આત્મસન્માન ગીરવે મૂકવું…” – સંજય રાઉતના શિંદે અને પવાર જૂથ પર આકરા પ્રહાર

Sanjay Raut Dismisses NCP Merger Rumors: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથો એટલે કે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ વચ્ચેના કથિત વિલીનીકરણને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી. આ રાજકીય અટકળો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના અગ્રણી નેતા અને સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપીને તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સંજય રાઉતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે શરદ પવાર ક્યારેય ભાજપ કે એનડીએ (NDA) સાથે જોડાણ નહીં કરે અને ન તો તેઓ પોતાની વર્ષો જૂની સેક્યુલર વિચારધારા સાથે ક્યારેય સમાધાન કરશે.
“વિલીનીકરણની અટકળો માત્ર અજિત પવાર જૂથના નાખુશ નેતાઓની ઉપજ છે”
NCP ના બંને જૂથોના મર્જર અંગે છેલ્લા ત્રણ દિવસથી રાજકીય ગલિયારામાં ગરમાવો જોવા મળ્યો હતો, ખાસ કરીને અજિત પવાર જૂથના પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે દ્વારા આ મુદ્દાને હવા આપવામાં આવ્યા બાદ અટકળોનો દોર તેજ થયો હતો. આ દરમિયાન પાર્થ પવાર દ્વારા 48 કલાકની અંદર બે વખત શરદ પવાર સાથે મુલાકાત કરવામાં આવતા સસ્પેન્સ વધુ ઘેરૂ બન્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે વિલીનીકરણની વાતો કરનારા લોકો ખરેખર અજિત પવાર જૂથમાં અસંતુષ્ટ અને નાખુશ બેઠેલા નેતાઓ છે. રાઉતે સવાલ ઉઠાવ્યો હતો કે શું શરદ પવાર, સુપ્રિયા સુલે કે જયંત પાટીલે ક્યારેય આવી કોઈ વાત કરી છે? માત્ર વિરોધી છાવણીના લોકો જ આ મુદ્દે જોરશોરથી બોલી રહ્યા છે કારણ કે તેઓ ત્યાં અસુરક્ષિત અને નાખુશ અનુભવી રહ્યા છે.
“ભાજપ સાથે રહેવાનો અર્થ આત્મસન્માન ગીરવે મૂકવું”
ભાજપ અને તેના સહયોગી પક્ષોની કામ કરવાની શૈલી પર આકરા પ્રહાર કરતા સંજય રાઉતે જણાવ્યું હતું કે ભાજપ સાથે રહેવાનો સીધો અર્થ એ છે કે તમારા સ્વમાનને ગીરવે મૂકીને ગુલામી સ્વીકારી લેવી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આ બાબતનો પુરાવો એકનાથ શિંદેના શિવસેના જૂથને પૂછીને પણ મેળવી શકાય છે, કારણ કે ભાજપ પોતાના સાથી પક્ષો અને નેતાઓનો ઉપયોગ ઘરના નોકરોની જેમ કરે છે અને તેમની સાથે તે જ પ્રકારનો વ્યવહાર રાખે છે. રાઉતે ગર્વભેર કહ્યું કે તેઓ પોતાના આત્મસન્માન અને સ્વાભિમાનની રક્ષા માટે જ યોગ્ય સમયે એનડીએથી અલગ થયા હતા.
“અમિત શાહ નક્કી કરી રહ્યા છે એનસીપી અને શિંદે જૂથનું ભવિષ્ય”
શરદ પવારની રાજકીય નિષ્ઠા અને વિચારધારાની પ્રશંસા કરતા સંજય રાઉતે કહ્યું કે યશવંતરાવ ચવ્હાણ પછી શરદ પવારે હંમેશા છત્રપતિ શાહુ મહારાજ, મહાત્મા ફૂલે અને ડૉ. બાબાસેબ આંબેડકરની વિચારધારાને મજબૂતીથી આગળ ધપાવી છે. જે નેતાઓએ દિલ્હીના દબાણમાં આવીને પક્ષ તોડ્યો છે તેમનો દાવો ખોટો છે. રાઉતે આક્ષેપ કર્યો હતો કે અજિત પવારનું જૂથ હાલ નેતાહીન બની ગયું છે અને દિલ્હીમાં બેસીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેમજ શિંદે જૂથનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે આ સમગ્ર ઘટનાને માત્ર એક મનોરંજન તરીકે જોવી જોઈએ અને તેને વધુ પડતી ગંભીરતાથી લેવાની જરૂર નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
“શરદ પવાર પર સંપૂર્ણ વિશ્વાસ છે”
સુનિલ તટકરેના નિવેદનો અંગે વાત કરતા રાઉતે કહ્યું કે તેમના પોતાના પક્ષમાં જ હવે તેમના વિચારોને કોઈ વજન આપવામાં આવતું નથી, તેથી તેઓ આવા નિવેદનો આપી રહ્યા છે. કોણ શું બોલે છે તેનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ શરદ પવાર શું કહે છે તે સૌથી મોટું મહત્વ ધરાવે છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે અંતમાં ઉમેર્યું હતું કે જ્યારે ભાજપ પાસે કોઈ કામ ન હોય કે કોઈ રાજકીય સંકટ ઊભું થાય, ત્યારે તે આવી અફવાઓ ફેલાવવાનું કામ કરે છે. બાળાસાહેબ ઠાકરેની પાર્ટી તોડનારા લોકોના દરવાજા પર સત્તા માટે શિવસેના કે શરદ પવાર ક્યારેય પોતાનું આત્મસન્માન વેચશે નહીં.
આ પણ વાંચો: યુપી ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું: ગિરિરાજ સિંહે અખિલેશ યાદવને કહ્યા “રમખુદૈયા”, અયોધ્યા મુલાકાત પર કટાક્ષ!












