“મારા લગ્ન કેમ નથી કરાવતા?” દિવાળીના દિવસે નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા
Mahisagar: દિવાળીના પાવન પર્વ ટાણે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી કયા ગામે લોહીયાળ કૌટુંબિક ડ્રામા સામે આવ્યો છે. “મારા લગ્ન કેમ નથી કરાવી આપતા?” જેવી સામાન્ય બાબતે થયેલા ઉગ્ર વિવાદમાં નાના ભાઈએ પિત્તો ગુમાવી પોતાના સગા મોટા ભાઈ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હત્યારા નાના ભાઈને દબોચી લીધો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દુકાનેથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં ઘાતકી હુમલો
બનાવની વિગતો અનુસાર, મોટી કયા ગામના વિનોદભાઈ તાવિયાડ પોતાની દુકાને કામ પૂર્ણ કરી કર્મચારી સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે વેળાએ રસ્તામાં તેમનો નાનો ભાઈ ચેતન તાવિયાડ ધસી આવ્યો હતો. ચેતને લગ્ન બાબતનો જૂનો કકળાટ આગળ ધરી “મારા લગ્ન કેમ નથી કરાવતા?” તેમ કહી અચાનક વિનોદભાઈ પર હિંસક હુમલો કરી દીધો હતો. આવેશમાં આવી ગયેલા ચેતને મોટા ભાઈના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
નદીમાંથી મૃતદેહ મળતાં પરિવારમાં કલ્પાંત
હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા વિનોદભાઈનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું અને બાદમાં તેમનો મૃતદેહ નજીકની નદીમાંથી મળી આવ્યો હતો. તહેવારોના દિવસોમાં જ પરિવારના મોભી સમાન યુવકની સગા ભાઈ દ્વારા જ ઘાતકી હત્યા થઈ જતાં પરિજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. બનાવને પગલે શાંત ગણાતા ગામમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો: દેશના જવાનો સાથે PM મોદીની દિવાળી, સ્નેહ અને દેશભક્તિનો જોવા મળ્યો સંગમ
સંતરામપુર પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી
ઘટના અંગે પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં સંતરામપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને હત્યાનો ગુનો નોંધી આરોપી ચેતન તાવિયાડની ધરપકડ કરી લીધી છે. ભાઈ-ભાઈના પવિત્ર સંબંધને કલંકિત કરતી આ ઘટના પાછળ અન્ય કોઈ આંતરિક વિવાદ કે કારણ છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.












