21 કિલોમીટરની ગોવર્ધન પરિક્રમા પાછળ છે ખાસ ધાર્મિક માન્યતા, જાણો તેનું મહત્વ

Govardhan Parikrama Importance : દિવાળી બાદ ઉજવાતા ગોવર્ધન પૂજાના પર્વમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ગિરિરાજ ગોવર્ધનની આરાધનાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલા ગોવર્ધન ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પરિક્રમા કરવા પહોંચે છે.
7 કોસ એટલે લગભગ 21 કિલોમીટરની પરિક્રમા
ધાર્મિક પરંપરા અનુસાર ગોવર્ધન પર્વતની પરિક્રમા લગભગ 7 કોસ એટલે કે 21 કિલોમીટરની માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ગિરિરાજ મહારાજની પરિક્રમા કરીને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના કરે છે. માન્યતા છે કે ગોવર્ધનની પરિક્રમા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે. અનેક ભક્તો પગપાળા પરિક્રમા કરે છે, જ્યારે કેટલાક દંડવત પરિક્રમા પણ કરે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું છે ગોવર્ધન પર્વતની કથા?
પૌરાણિક કથા અનુસાર એક સમયે ગોકુળમાં ભગવાન ઇન્દ્રની પૂજા કરવામાં આવતી હતી. ભગવાન શ્રીકૃષ્ણે ગોકુળવાસીઓને ગોવર્ધન પર્વતની પૂજા કરવા સમજાવ્યા હતા. આથી ઇન્દ્ર ક્રોધિત થયા અને ગોકુળમાં ભારે વરસાદ વરસાવ્યો. ગોકુળવાસીઓ અને તેમના પશુઓને બચાવવા ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ધારણ કર્યો હતો. સાત દિવસ સુધી ગોકુળવાસીઓ પર્વતની નીચે સુરક્ષિત રહ્યા હતા. આ ઘટના બાદ ગોવર્ધન પૂજાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
અન્નકૂટ અને 56 ભોગનું વિશેષ મહત્વ
ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે. અન્નકૂટમાં દાળ, ભાત, શાકભાજી, કઢી, મીઠાઈ અને અન્ય અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. કેટલીક પરંપરાઓમાં ભગવાનને 56 ભોગ ધરાવવાની માન્યતા પણ છે. ભક્તો પોતાની શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર ભોગ તૈયાર કરીને ભગવાનને અર્પણ કરે છે.
આ પણ વાંચો : આજે ગોવર્ધન પૂજા, બપોરે 2 વાગ્યા સુધી પ્રતિપદા તિથિ; જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ












