ગુજરાત

Rajkot: લગ્નની લાલચ આપી યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ

Rajkot News:  રાજકોટ શહેરના માંડાડુંગર વિસ્તારમાં એક ૨૦ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની પર એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. મોબાઈલની દુકાન ધરાવતા શખ્સે યુવતીને લગ્નનો ખોટો વિશ્વાસ આપી ભગાડી ગયા બાદ, બીજા જ દિવસે “હું પરિણીત છું અને તારી સાથે લગ્ન નહીં કરી શકું” તેમ કહી તરછોડી દીધી હતી. આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોબાઈલ નંબરની કાપલી આપી મિત્રતા કેળવી

જંગલેશ્વર વિસ્તારમાં રહેતી પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટનાની શરૂઆત ૬ મહિના પહેલા થઈ હતી. યુવતી જ્યારે પોતાના દાદીના ઘરે જઈ રહી હતી, ત્યારે ભવાની ચોકમાં ઊભેલા સોહિલ ઈબ્રાહીમ નોતીયાર નામના શખ્સે તેને મોબાઈલ નંબર લખેલી એક કાગળની કાપલી આપી હતી. બે-ત્રણ દિવસ બાદ યુવતીએ તે નંબર પર ફોન કરતા સોહિલે પોતાની ઓળખ માંડાડુંગરના રહીશ અને ‘એ.પી. મોબાઈલ’ નામની દુકાનના માલિક તરીકે આપી હતી. ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત વધી અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

ગત ૨૭ માર્ચના રોજ યુવતી ફોન પર વાત કરતી હોવાની જાણ પિતાને થતા તેમણે ઠપકો આપ્યો હતો. આ વાતની જાણ સોહિલને કરતા તેણે યુવતીને ઘરેથી નીકળી આવવા લાલચ આપી હતી. ગત ૩૧ માર્ચના રોજ રાત્રે ૮ વાગ્યે ઘરે કોઈ ન હોવાથી યુવતી નીકળી ગઈ હતી અને સોહિલ તેને બાઈક પર બેસાડી માંડાડુંગર ભીમરાવનગર ખાતે પોતાના એક સગાને ત્યાં લઈ ગયો હતો.

ત્યાં રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ સોહિલે “હું તારી સાથે લગ્ન કરી લઈશ” તેવો વિશ્વાસ આપી યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. નરાધમે આખી રાત દરમિયાન કુલ ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે બપોરે ૩ વાગ્યે સોહિલનો અસલી ચહેરો સામે આવ્યો હતો. તેણે યુવતીને તરછોડી દેતા કહ્યું કે, તે પરિણીત હોવાથી તેની સાથે લગ્ન કરી શકશે નહીં.

પોલીસ કાર્યવાહી

ભોગ બનનાર યુવતીએ ઘરે પરત ફરી આપવીતી જણાવતા પરિવારે હિંમત આપી પોલીસનો સંપર્ક કર્યો હતો. આજીડેમ પોલીસે સોહિલ ઈબ્રાહીમ નોતીયાર વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: AAP ઉમેદવાર સામે બદનક્ષીની ફરિયાદ નોંધાતા આપના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા

Back to top button