AAP ઉમેદવાર સામે બદનક્ષીની ફરિયાદ નોંધાતા આપના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા

Surat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત અને આચારસંહિતા લાગુ થતાની સાથે જ સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતે બદનક્ષીની ફરિયાદ નોંધાવતા, આજે ‘આપ’ના ઉચ્ચ નેતૃત્વ અને કાર્યકરોએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને આ FIRને રાજકીય કિન્નાખોરી ગણાવી ઉગ્ર રજૂઆત કરી હતી.
ગોડાદરા વિસ્તારમાં પોસ્ટર વોરથી શરૂ થયો વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત સુરતના ગોડાદરા વિસ્તારથી થઈ હતી. AAP ઉમેદવાર શ્રવણ જોશી છેલ્લા ચાર દિવસથી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા હતા, જેમાં તેઓ હાથમાં પોસ્ટરો લઈને સ્થાનિક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર જનતાને અવગત કરી રહ્યા હતા. ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતનો આક્ષેપ છે કે શ્રવણ જોશીએ એવા પોસ્ટરોનો ઉપયોગ કર્યો હતો જેમાં કોર્પોરેટરનો ચહેરો દર્શાવી તેમની સામે ભ્રષ્ટાચારના પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બાબતને પોતાની વ્યક્તિગત છબી ખરડવાનો પ્રયાસ ગણાવી અમિત રાજપૂતે પોલીસમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ બાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને અન્ય પદાધિકારીઓ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે, જ્યારથી AAPએ 75 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારથી ભાજપ ગભરાઈ ગયું છે અને પોલીસને આગળ કરી રહી છે.
ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, “ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આચારસંહિતા લાગુ છે. દરેક ઉમેદવારને લોકશાહીમાં પ્રચાર કરવાનો અબાધિત અધિકાર છે. અમે અમારા કેમ્પેન દ્વારા સરકારની ખોટી નીતિઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ, પરંતુ ભાજપના પેટમાં તેલ રેડાયું છે એટલે તેઓ ખોટી FIR કરીને અમારા ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
AAP નેતાઓએ કમિશનર સમક્ષ ભારપૂર્વક જણાવ્યું કે પ્રચારમાં વપરાતા તમામ સ્લોગનો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ઉમેદવારોને હેરાન કરવાના પ્રયાસો લોકશાહી માટે ઘાતક છે. તેમણે કમિશનરને આ મામલે યોગ્ય તપાસ કરવા અને રાજકીય દબાણ હેઠળ થતી કાર્યવાહી રોકવા વિનંતી કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Tamil Nadu: સથાનકુલમ કસ્ટડી ડેથ કેસમાં મોટો ચુકાદો, 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા











