કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Rajkot : સરકારી આવાસમાં દારૂનો કાળો કારોબાર, લાખોનો મુદ્દામાલ ઝડપાયો

RAJKOT : શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કેવલમ સોસાયટી સામે આવેલા રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરને બૂટલેગરોએ દારૂના ગોડાઉનમાં ફેરવી નાખ્યું હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો, હેરાફેરીમાં વપરાતી સ્વિફ્ટ કાર, ત્રણ બાઇક અને છ સ્માર્ટફોન મળી કુલ ₹15,50,820નો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ખાનગી બાતમીના આધારે ફ્લેટ પર ત્રાટકી પોલીસ

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે RMC આવાસ યોજનાના એક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારીને ત્યાંથી છૂટક સપ્લાય કરવાની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીની ખરાઈ થતાં જ પોલીસ કાફલાએ ઓચિંતો દરોડો પાડી ક્વાર્ટરની ઘેરાબંધી કરી લીધી હતી. તલાશી દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર હાજર ચાર શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા.

ધ્રાંગધ્રા, મોરબી અને રાજકોટના ચાર બૂટલેગરોની ધરપકડ

ઝડપાયેલા આરોપીઓમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સ્થિત જોકિયા કુવા પાસે રહેતો આફતાબ હમીદખાન પઠાણ (ઉં.વ. 25), મોરબીના કે.જી.એમ. પાર્કનો આદિન ઇકબાલભાઇ મકરાણી (ઉં.વ. 32), રાજકોટના રામનાથપરાનો મુસ્તુફા ઇમ્તિયાજભાઇ મીરજા (ઉં.વ. 21) તેમજ કે.કે.વી. હોલ પાસે રહેતો રોહન રમેશભાઇ ટમટા (ઉં.વ. 22) સામેલ છે. પોલીસ પૂછપરછમાં આ શખ્સો આંતરજિલ્લા સ્તરેથી દારૂ મંગાવી સરકારી આવાસમાં છુપાવીને સ્થાનિક ગ્રાહકોને પહોંચાડતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વાહનો અને 6 મોબાઇલ ફોન સહિત મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા ઉપરાંત ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી એક સ્વિફ્ટ કાર, ત્રણ ટુ-વ્હીલર તેમજ વિવિધ બ્રાન્ડ્સના (રેડમી, રિયલમી, વનપ્લસ, મોટોરોલા અને વીવો) છ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. ગાંધીગ્રામ-2 પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
Back to top button