ગુજરાતનાં શક્તિપીઠોમાં નવરાત્રીનો ઉત્સવ, 11થી 19 ઓક્ટોબર સુધી ખાસ કાર્યક્રમો યોજાશે
Gujarat Newss : ગુજરાતના સૌથી મોટા લોકોત્સવ નવરાત્રિને વધુ ભક્તિમય અને યાદગાર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘નવરાત્રિ શક્તિપર્વ-2026’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વિશેષ આયોજન હેઠળ બનાસકાંઠાના અંબાજી અને મહેસાણાના બહુચરાજી શક્તિપીઠ સહિત રાજ્યના 9 સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં 11થી 19 ઓક્ટોબર દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક અને ગરબા મહોત્સવ યોજાશે.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ધાર્મિક પ્રવાસનને નવી ઊંચાઈ આપવાનો અને પ્રાચીન લોકસંસ્કૃતિને ઉજાગર કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ રાજ્ય સરકારના નેતૃત્વમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન હાથ ધરાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
9 પવિત્ર ધામોમાં ‘શક્તિપર્વ’નું તારીખવાર શિડ્યુલ
નવરાત્રિના 9 દિવસો દરમિયાન નીચે મુજબના યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવ અને આરાધનાના કાર્યક્રમો સંપન્ન થશે:-

ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે
નવરાત્રિ શક્તિપર્વ દરમિયાન ગુજરાતના નામી કલાકારો પોતાની પ્રસ્તુતિથી ભક્તિમય માહોલ ઊભો કરશે:- બહુચરાજી (12 ઓક્ટોબર): જાણીતા લોકગાયક અરવિંદ વેગડા ગરબાની ધૂન પર ભક્તોને ઝૂમાવશે. મોઢેરા (19 ઓક્ટોબર): સુપ્રસિદ્ધ ગાયિકા હિમાલી વ્યાસ નાયકના કંઠે ભક્તિસંગીત અને ગરબાની રમઝટ જામશે. અન્ય મંદિરો: બાકીના 7 ધાર્મિક સ્થળો પર પણ સ્થાનિક તેમજ જાણીતા કલાકારો દ્વારા પારંપરિક ગરબા અને સાંસ્કૃતિક રજૂઆતોનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો:કેન્સરની દવાના ભાવ પર સરકારનું કડક વલણ, કિંમતોમાં 70% સુધીનો ઘટાડો થવાની અપેક્ષા
ધાર્મિક પ્રવાસનને મળશે મોટું પ્રોત્સાહન
રાજ્યના ‘આતિથ્યમ’ પોર્ટલના ફૂટફોલ ડેટા અનુસાર અંબાજી, પાવાગઢ અને બહુચરાજી ગુજરાતના ટોપ-10 સૌથી વધુ મુલાકાત લેવાતા પ્રવાસન સ્થળોમાં અગ્રેસર છે. શક્તિપર્વના માધ્યમથી અમદાવાદ, કચ્છ, પંચમહાલ અને દ્વારકા જેવા જિલ્લાઓમાં ધાર્મિક પ્રવાસનને વધુ વેગ મળશે. યાત્રાળુઓ દર્શન સાથે ગુજરાતના પૌરાણિક વારસા અને ગરબાની પરંપરાને માણી શકે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ધર્મ અને લોકપરંપરાનું અનોખું મિલન
નવરાત્રિ એ માત્ર ઉત્સવ નહીં પરંતુ ગુજરાતની આગવી ઓળખ, અસ્મિતા અને લોકસંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. આ પવિત્ર દિવસો દરમિયાન રાજ્યભરના શક્તિપીઠો અને પૌરાણિક દેવસ્થાનોમાં માઇભક્તોનું વિશાળ મહેરામણ ઊમટી પડે છે. આ જ ધાર્મિક શ્રદ્ધા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને એક જ મંચ પર ગૌરવવંતું સ્થાન આપવાના ઉદ્દેશ્યથી ‘નવરાત્રિ શક્તિપર્વ-2026’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તમામ નાગરિકોને આ પાવન ઉત્સવમાં ઉત્સાહભેર જોડાઈ માતાજીની ભક્તિ અને ગરબાની ગરિમાપૂર્ણ પરંપરાને માણવા જાહેર અનુરોધ કરાયો છે.
ગુજરાતની સંસ્કૃતિના પ્રાણ સમાન નવરાત્રિ મહોત્સવમાં આસ્થા અને લોકકલાનો સમન્વય સાધવા ‘નવરાત્રિ શક્તિપર્વ-2026’ એક પ્રેરક મંચ સાબિત થશે. માતાજીના ધામોમાં ભક્તિભાવ સાથે પરંપરાગત સંગીત અને નૃત્યની રમઝટ બોલાવી પ્રાચીન વારસાને જીવંત રાખવાનો આ રાજ્ય સરકારનો નમ્ર પ્રયાસ છે, જેમાં બહોળી સંખ્યામાં સહભાગી થવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.












