કુલગામ આતંકી હુમલા પર રાજકીય બયાનબાજી તેજ, જાણો નેતાઓએ શું કહ્યું
KASHMIR : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે ધોળા દિવસે આતંકીઓએ CRPFની ચોકી પર હુમલો કર્યો હતો. બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ત્રણ જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે અનંતનાગ જિલ્લાની GMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક જવાનની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ઘટના બાદ કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સવાલો પૂછ્યા છે. કોંગ્રેસના સાંસદ પવન ખેડાથી લઈને મહેબૂબા મુફ્તી અને ભાજપના નેતા રવિન્દ્ર રૈના સુધી અનેક નેતાઓએ આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે.
પવન ખેડાએ ગૃહ મંત્રાલય પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના સાંસદ પવન ખેડાએ કુલગામના મીર બજારમાં થયેલા આતંકી હુમલાને અત્યંત ચિંતાજનક ગણાવ્યો હતો. તેમણે ઘાયલ CRPF જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો હતો કે ગૃહમંત્રી અમિત શાહ આ હુમલા અંગે શું કહેવા માગે છે? તેમણે કહ્યું કે 2019માં કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદનો સંપૂર્ણ અંત આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાને પણ આ દાવાનું સમર્થન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે સાત વર્ષ બાદ ખુલ્લા બજારમાં CRPFના જવાનો પર આતંકી હુમલો થવો એ દર્શાવે છે કે 5 ઓગસ્ટ 2019ના ફેરફારો પોતાના નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે ગૃહમંત્રીના અગાઉના દાવાઓ પર સવાલ ઉઠાવતાં તેમના રાજીનામાની માગ પણ કરી હતી.
AAPએ ગુપ્તચર તંત્રની નિષ્ફળતા ગણાવી
જમ્મુ-કાશ્મીર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને ડોડાના ધારાસભ્ય મેહરાજ મલિકે પણ આ હુમલા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કુલગામમાં ધોળા દિવસે થયેલો આતંકી હુમલો દર્શાવે છે કે જમીની સ્તરે સુરક્ષા અને ગુપ્તચર તંત્ર નિષ્ફળ રહ્યું છે. તેમણે ઘાયલ જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.
આ પણ વાંચો: શેખ હસીનાની વાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા
આવી ઘટનાઓ સ્વીકાર્ય નથી: મહેબૂબા મુફ્તી
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કુલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. આ સાથે તેમણે હુમલામાં ઘાયલ થયેલા CRPF જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
કાશ્મીરની શાંતિ ડહોળવાનું ષડયંત્ર: ભાજપ
ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ આ હુમલાને કાશ્મીરની શાંતિ અને સ્થિતિ બગાડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ સ્થાપિત થાય છે, ત્યારે આવા આતંકી હુમલાઓ દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમના દાવા મુજબ, પાકિસ્તાનના આતંકીઓ આવી ઘટનાઓને અંજામ આપીને કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે.












