ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

નવરાત્રીમાં ગ્લો અને ફિટનેસનો નવો ટ્રેન્ડ, ખેલૈયાઓમાં બ્યુટી ટ્રીટમેન્ટનો ક્રેઝ!

Navratri 2026 Fitness Beauty Trends: નવરાત્રીનો તહેવાર હવે માત્ર માતાજીની આરાધના અને પરંપરાગત રાસ-ગરબા પૂરતો સીમિત રહ્યો નથી. યુવાનો માટે નવરાત્રી ફિટનેસ, ફેશન અને પર્સનલ ગ્રૂમિંગ માટે પણ મહત્ત્વનું માધ્યમ બની રહી છે. નવ દિવસ સુધી સતત ગરબા રમવા માટે ખેલૈયાઓ સ્ટેમિના જાળવવા અને શરીરને ફિટ રાખવા પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પરફેક્ટ દેખાવા માટે સ્કિન કેર, મેકઅપ અને બ્યુટી ટ્રીટમેન્ટ તરફ પણ આકર્ષણ વધી રહ્યું છે. ખાણીપીણીથી લઈને ઊંઘ અને સ્કિન કેર સુધી યુવાનોની જીવનશૈલીમાં નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે.

ફાસ્ટફૂડ છોડીને ફ્રૂટ અને હેલ્ધી ડાયટ તરફ વળ્યા ખેલૈયાઓ

ગરબા રમતાં પહેલાં અને પછી શું ખાવું તેની પસંદગીમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. અગાઉ પાઉંભાજી, પિઝા અને અન્ય ફાસ્ટફૂડ પસંદ કરતા કેટલાક ખેલૈયાઓ હવે ફ્રૂટ ડિશ, ફ્રૂટ જ્યૂસ અને હળવા નાસ્તાને પ્રાધાન્ય આપી રહ્યા છે. જોકે ગરબા ગ્રાઉન્ડની આસપાસ ગાંઠિયા, ભેળ અને વેજિટેબલ સેન્ડવિચ જેવા નાસ્તાની લોકપ્રિયતા હજુ પણ યથાવત્ છે. સતત નવ દિવસ સુધી ગરબા રમવા માટે શરીરમાં ઊર્જા જળવાઈ રહે અને ડિહાઇડ્રેશનથી બચી શકાય તે માટે પૂરતું પાણી પીવા તથા સંતુલિત આહાર લેવા અંગે જાગૃતિ વધી રહી છે.

ગરબા ગ્રાઉન્ડમાં પરફેક્ટ લૂકની સ્પર્ધા

નવરાત્રીમાં ચણિયાચોળી, પરંપરાગત જ્વેલરી, મેકઅપ અને હેરસ્ટાઇલનું વિશેષ મહત્ત્વ હોય છે, પરંતુ હવે તેની સાથે ગ્લોઇંગ સ્કિનનો પણ નવો ટ્રેન્ડ જોડાયો છે. ખાસ કરીને યુવા ખેલૈયાઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ ગરબા દરમિયાન આકર્ષક દેખાવા માટે સ્કિન કેર અને બ્યુટી રૂટિન પર વધારે ધ્યાન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફોટા અને રીલ્સ શેર કરવાનો વધતો ક્રેઝ પણ આ ટ્રેન્ડ પાછળનું એક કારણ માનવામાં આવે છે.

ગ્લોઇંગ સ્કિન માટે ₹10 હજાર સુધીનો ખર્ચ!

કેટલાક યુવાનો ચહેરા પર ગ્લો મેળવવા માટે ગ્લુટાથાયન આઈવી ડ્રિપ જેવી બ્યુટી ટ્રીટમેન્ટ તરફ પણ વળી રહ્યા છે. આવી ટ્રીટમેન્ટના એક સિટિંગનો અંદાજિત ખર્ચ ₹6,000થી ₹10,000 સુધી થઈ શકે છે. જોકે આઈવી ડ્રિપથી ત્વચાનો રંગ બદલાશે કે લાંબા સમય સુધી ચમક જળવાશે તેની વૈજ્ઞાનિક ખાતરી નથી. આવી સારવાર સાથે એલર્જી, ચેપ અને અન્ય આડઅસરોનું જોખમ પણ જોડાયેલું હોઈ શકે છે. તેથી નિષ્ણાત તબીબની સલાહ અને યોગ્ય દેખરેખ વિના આવી ટ્રીટમેન્ટ કરાવવી જોખમી બની શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ફિટનેસ, ફેશન અને સોશિયલ મીડિયાનો સંગમ

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે હવે માત્ર ગરબા રમવાનો ઉત્સાહ જ નહીં, પરંતુ પોતાની ફિટનેસ જાળવવી, આકર્ષક દેખાવું અને સોશિયલ મીડિયા પર યાદગાર પળો શેર કરવી પણ મહત્ત્વપૂર્ણ બની છે. આમ ગરબાના નવ દિવસ હવે ભક્તિ અને પરંપરાની સાથે ફિટનેસ, ફેશન અને બ્યુટી ટ્રેન્ડનો પણ અનોખો સંગમ બની રહ્યા છે.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડ : બાગેશ્વરમાં માં આદિ બદ્રી ભગવતી મંદિરમાં લાગી ભીષણ આગ
Back to top button