નેશનલ

’10 લાખના દાવા સામે 7,000 ખુરશીઓ ખાલી રહી’, રામલીલા મેદાનની વિપક્ષી રેલી પર સંબિત પાત્રાનો કટાક્ષ

Sambit Patra Slams Rahul Gandhi: રવિવારના રોજ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાયેલી વિપક્ષી દળોની મહારેલીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) એ વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કર્યા છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાના વિપક્ષના દાવા સામે ભાજપે સોશિયલ મીડિયા પર ખાલી ખુરશીઓનો વીડિયો પોસ્ટ કરીને વળતો પ્રહાર કર્યો હતો. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે રામલીલા મેદાનમાં આશરે 7,000 જેટલી ખુરશીઓ સાવ ખાલી પડી રહી હતી અને વિપક્ષનો 10 લાખ લોકોને એકઠા કરવાનો દાવો સાવ ખોખલો સાબિત થયો છે.

10 લાખના દાવા પાછળની સત્યતા પર સંબિત પાત્રાના સવાલો

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપના સાંસદ સંબિત પાત્રાએ આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે, રામલીલા મેદાન ખાતે ગોઠવવામાં આવેલી કુલ 28,000 ખુરશીઓમાંથી 5,000 થી 7,000 ખુરશીઓ બપોરે 3:30 થી 4:00 વાગ્યાના મુખ્ય સમયે સાવ ખાલી જોવા મળી હતી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, “રાહુલ ગાંધી અને તેમની ટીમે 10 લાખ લોકોની જંગી મેદની એકઠી કરવાનો દાવો કર્યો હતો, પરંતુ આટલા બધા રાજકીય પક્ષો અને ઝંડાઓ ભેગા કરવા છતાં તેઓ 10 લાખ તો શું, પૂરી ખુરશીઓ પણ ભરી શક્યા નથી. આ જ વિપક્ષના દાવા પાછળનું સાચું ચિત્ર છે.”

“PM બનવા પરસેવો અને મહેનત જોઈએ”

સંબિત પાત્રાએ વિપક્ષી એકતા અને સત્તા મેળવવાની રાજનીતિ પર પ્રહારો કરતા કહ્યું કે આવી સસ્તા પ્રકારની યુક્તિઓ કે ખાલી રેલીઓથી કોઈ નેતા કે વડાપ્રધાન બની શકતું નથી. તેમણે પીએમ (PM) શબ્દની નવી વ્યાખ્યા આપતાં જણાવ્યું કે, “PM નો અર્થ માત્ર ‘પ્રાઇમ મિનિસ્ટર’ નથી થતો, પરંતુ તેમાં P નો અર્થ ‘પરસેવો’ અને M નો અર્થ ‘મહેનત’ થાય છે. દેશના વડાપ્રધાન સતત પરસેવો પાડીને અને આકરી મહેનત કરીને બને છે, માત્ર રેલીઓમાં ભાષણો આપવાથી નહીં.”

“2024 ની ચૂંટણી ગેરકાયદેસર તો તમે પણ ગેરકાયદેસર LOP છો”

રામલીલા મેદાનની રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 2024 ની લોકસભા ચૂંટણીને ગેરકાયદેસર ગણાવી હતી. આ નિવેદનનો સણસણતો જવાબ આપતાં સંબિત પાત્રાએ જણાવ્યું કે, જો 2024 ની ચૂંટણી ગેરકાયદેસર હતી, તો તેનો અર્થ એ થાય કે તમે પોતે પણ ગેરકાયદેસર ‘વિરોધ પક્ષના નેતા’ છો અને તમારા તમામ સાંસદો પણ ગેરકાયદેસર છે. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા ઉમેર્યું કે તેમનું ‘ટેપ રેકોર્ડર’ એક જ જગ્યાએ અટકી ગયું છે. જો તેમને ચૂંટણી સામે વાંધો હતો તો તેમણે તેને તાત્કાલિક અદાલતમાં કેમ પડકારી નહીં? વધુમાં, 2024 ની ચૂંટણી વખતે વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ કુમાર તો હોદ્દા પર પણ નહોતા, તેઓ 2025 માં ચૂંટણી કમિશનર બન્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

“આ ભારત કોઈના અબ્બુ જાનનું નથી”

રાહુલ ગાંધીના નિવેદનો પર આકરા પ્રહારો ચાલુ રાખતાં સંબિત પાત્રાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “રાહુલ ગાંધીજી, આ ભારત દેશ તમારા ‘અબ્બુ જાન’ નો નથી, પરંતુ દેશની 140 કરોડ જનતાનો છે. આ આપણી મજબૂત લોકશાહીની તાકાત છે કે જ્યાં એક સામાન્ય ચા વેચનાર દેશનો વડાપ્રધાન બની શકે છે અને એક સામાન્ય કાર્યકર ગૃહમંત્રી બની શકે છે, અને આ જ વાત તમને સતત પરેશાન કરી રહી છે.” તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધી કોઈ શિવ નથી અને તેઓ દેશમાં જે અરાજકતા ફેલાવવા માંગે છે તે કોઈ ‘શિવ સરઘસ’ નથી, પરંતુ માત્ર અને માત્ર અરાજકતાનો એક મોટો તમાશો છે.

આ પણ વાંચો: ‘વોટ ચોરી કરનારને દેશમાંથી ભાગવા નહીં દઇએ…’ રામલીલા મેદાનથી રાહુલ ગાંધીનો હુંકાર

Back to top button