બદ્રીનાથ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ DGCAનો નવો નિયમ,ઓપરેટરોએ આપી આ ચેતવણી

Helicopter Rule : બદ્રીનાથ ધામ નજીક થયેલા હેલિકોપ્ટર અકસ્માત બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ચારધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાઓ માટે સુરક્ષાના નિયમો કડક બનાવ્યા છે. નવા આદેશ પ્રમાણે હવે દરેક હેલિકોપ્ટરમાં બે પાયલટ (Two Pilots) હોવા ફરજિયાત રહેશે. આ નિયમ 2 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. જોકે, હેલિકોપ્ટર સેવા આપતી કંપનીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ઓપરેટરોનું કહેવું છે કે તેમની સાથે ચર્ચા કર્યા વગર લાદવામાં આવેલી આ શરતથી વ્યવસાય ચલાવવો મુશ્કેલ બનશે.
આ મામલે હેલિકોપ્ટર ઓપરેટરોએ DGCA અને ઉત્તરાખંડ ગઢવાલ એરોડ્રોમ ડેવલપમેન્ટ ઓથોરિટી (UGADA)ને પત્ર લખીને નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમના મતે, કોઈ પૂર્વ ચર્ચા કે સલાહ લીધા વિના નિયમ લાગુ કરવો યોગ્ય નથી. આથી કંપનીઓના રોજિંદા કામકાજ પર અસર થવાની સાથે આર્થિક મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે.
વધારાના ખર્ચને કારણે ઓપરેટરો મુશ્કેલીમાં
ઓપરેટરોના જણાવ્યા અનુસાર, દરેક હેલિકોપ્ટરમાં બે પાયલટ રાખવાની વ્યવસ્થા કરવાથી કંપનીઓનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી જશે. બીજા પાયલટનો પગાર, રહેવાની વ્યવસ્થા, મુસાફરી અને અન્ય સુવિધાઓ પાછળ વધારાનું બજેટ ફાળવવું પડશે. તેમણે દલીલ કરી છે કે ચારધામ યાત્રા માટે હાલ જે ચાર્ટર ભાડાં નક્કી કરવામાં આવ્યાં છે અને તેમાં જેટલો નફો મળે છે, તે જોતાં વધારાનો ખર્ચ સહન કરવો શક્ય નથી. આ ખર્ચ યાત્રીઓ પાસેથી વસૂલવો પણ યોગ્ય નહીં ગણાય. ઓપરેટરોનું કહેવું છે કે તેઓ અત્યાર સુધી DGCAની માર્ગદર્શિકાનું પાલન કરીને હિમાલયના પડકારજનક વિસ્તારોમાં સેવાઓ આપી રહ્યા છે. તેથી બે પાયલટની નવી ફરજિયાત શરત અંગે ફરી વિચારણા થવી જોઈએ.
નિર્ણય નહીં બદલાય તો હેલિકોપ્ટર સેવા અટકાવવાની ચીમકી
હેલિકોપ્ટર કંપનીઓએ ચેતવણી આપી છે કે DGCA આ નિર્ણય પાછો ખેંચવા અથવા કોઈ વ્યવહારુ ઉકેલ લાવવા તૈયાર નહીં થાય તો તેઓ 2 નવેમ્બરથી ચારધામ યાત્રાની ચાર્ટર હેલિકોપ્ટર સેવા બંધ કરી દેશે. ઓપરેટરોએ બંને સંબંધિત સત્તામંડળોને તાત્કાલિક બેઠક યોજવાની અપીલ કરી છે. તેમની માગ છે કે હવાઈ સુરક્ષા (Aviation Safety)ને પ્રાથમિકતા આપવાની સાથે સેવા સંચાલન પર બિનજરૂરી આર્થિક બોજ ન પડે તેવો રસ્તો કાઢવામાં આવે.
જોશીમઠ પાસે હેલિકોપ્ટર તૂટી પડતાં છનાં મોત થયાં હતાં
આ વિવાદ પાછળ તાજેતરમાં બદ્રીનાથ નજીક બનેલી ગંભીર દુર્ઘટના છે. શુક્રવારે બપોરે આશરે 1.15 વાગ્યે ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું VT-HCX હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી દહેરાદૂનના સહસ્રધારા માટે રવાના થયું હતું. જોકે, જોશીમઠ વિસ્તારમાં હાથી પર્વત નજીક સ્વારી ખર્ક ખાતે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ સ્થળ પાંડુકેશ્વર ઉપર આવેલી જોશીમઠ ખીણમાં આવેલું છે. હેલિકોપ્ટરમાં કર્ણાટકના પાંચ શ્રદ્ધાળુઓ અને દિલ્હીનો પાયલટ કેપ્ટન હિમાંશુ સહિત છ લોકો સવાર હતા. અકસ્માતમાં તમામ છ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સંચાલન અને મુસાફરોની સુરક્ષા અંગેના નિયમો પર નવેસરથી ચર્ચા શરૂ થઈ છે.












