ટોપ ન્યૂઝનેશનલ

મહાદેવ એપ કેસ: માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરને ઓમાનથી પકડીને ભારત લાવી CBI!

Saurabh Chandrakar Extradited From Oman To India: દેશભરમાં ચકચાર જગાવનાર મહાદેવ ઓનલાઈન ગેરકાયદેસર સટ્ટાબાજી સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ઓમાનથી સફળતાપૂર્વક ભારત લાવવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સીઓ સાથેના સઘન સંકલન અને ઔપચારિક પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સીબીઆઈની ખાસ ટીમ તેને મસ્કતથી ભારત લઈ આવી છે. કાયદેસરની પ્રક્રિયા અને તબીબી તપાસ બાદ તેને સોમવારના રોજ રાયપુરની ખાસ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૌરભ ચંદ્રાકર સામે સીબીઆઈ દ્વારા અગાઉથી જ બે અલગ-અલગ ગુનાઓમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હતું નેટવર્ક

છત્તીસગઢ સરકારની ખાસ વિનંતીના પગલે સીબીઆઈએ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસની તપાસ પોતાના હસ્તક લીધી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે આ સિન્ડિકેટ ભારતની બહારથી સંચાલિત થતું દેશનું સૌથી મોટું ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીનું નેટવર્ક હતું. આ નેટવર્ક દ્વારા ક્રિકેટ, ફૂટબોલ, પત્તાની વિવિધ રમતો અને અન્ય ઓનલાઈન ઈવેન્ટ્સ પર મોટા પાયે ગેરકાયદેસર સટ્ટો રમાડવામાં આવતો હતો. ભારતના વિવિધ ભાગોમાં ખાસ ‘પેનલ’ અને ‘શાખાઓ’ નું મોટું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉપયોગ યુવકોની ગેરકાયદેસર ભરતી કરવા અને સટ્ટાબાજીની તોતિંગ રકમ એકત્રિત કરવાનો હતો.

હવાલા ચેનલ દ્વારા વિદેશમાં નાણાં મોકલવાનો પર્દાફાશ

સીબીઆઈની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે ગેરકાયદેસર સટ્ટાબાજીથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવતી હતી. આ નાણાં મોટી સંખ્યામાં બોગસ અને ફાજલ બેંક ખાતાઓમાં ફેરવીને જટિલ વ્યવહારો દ્વારા હવાલા ચેનલ મારફતે વિદેશમાં મોકલી આપવામાં આવતા હતા. એટલું જ નહીં, સટ્ટાબાજીનું આ ગેરકાયદેસર નેટવર્ક અવિરત અને સુરક્ષિત રીતે ચાલતું રહે તે માટે આ કાળા નાણાંમાંથી એક મોટો હિસ્સો કેટલાક ભ્રષ્ટ સરકારી અધિકારીઓને પ્રોટેક્શન મની તરીકે પણ ચૂકવવામાં આવતો હતો. સીબીઆઈએ આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988, આઈપીસીની ગેરકાયદેસર કાવતરું, છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોની કલમો તેમજ છત્તીસગઢ જુગાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રેડ કોર્નર નોટિસ બન્યા પાસાં પલટાનું કારણ

સૌરભ ચંદ્રાકર વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી ‘રેડ કોર્નર નોટિસ’ (Red Corner Notice) ના આધારે ઓમાન પોલીસે તેને શોધી કાઢીને અટકાયતમાં લીધો હતો. ત્યારબાદ સીબીઆઈ અને ઇડી દ્વારા આરોપી વિરુદ્ધના મજબૂત પુરાવાઓ સાથેની ઔપચારિક પ્રત્યાર્પણ દરખાસ્ત ઓમાન સરકારને મોકલવામાં આવી હતી. નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ટરપોલ અને ઓમાનના સત્તાવાળાઓના સહયોગથી પ્રક્રિયા સફળ રહી હતી. પ્રત્યાર્પણને મંજૂરી મળતા જ સીબીઆઈની ટીમ મસ્કત પહોંચી હતી અને મુખ્ય આરોપીને દબોચીને ભારત પરત લાવી હતી. આ મામલે ઈડી દ્વારા દેશ-વિદેશમાં આવેલી તેની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ સઘન બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: ‘વોટ ચોરી કરનારને દેશમાંથી ભાગવા નહીં દઇએ…’ રામલીલા મેદાનથી રાહુલ ગાંધીનો હુંકાર

Back to top button