ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવતા ધોરણ 10ની વિદ્યાર્થિની પર આરીથી હુમલો કરનાર આરોપીનું એન્કાઉન્ટર!

Andhra Pradesh encounter: આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ધોરણ 10ની વિદ્યાર્થિની પર ઇલેક્ટ્રિક આરીથી જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિદ્યાર્થિની પર હુમલો કરીને ફરાર થયેલા 21 વર્ષીય આરોપી હેમંતને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરતાં આરોપીને ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. હાલમાં તેને અનંતપુરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ, ગોળીબારમાં આરોપી ઘાયલ

મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે આરોપી હેમંત અનંતપુર જિલ્લાના આત્મકુરના જંગલ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ તેને પકડવા પહોંચી હતી.

પોલીસે આરોપીને આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન તેને રોકવા માટે પોલીસે હવામાં ગોળીબાર પણ કર્યો હતો. જોકે, આરોપીએ ભાગવાનો પ્રયાસ કરવાની સાથે પોલીસ પર ગોળી ચલાવી હતી. પરિણામે પોલીસે જવાબી ફાયરિંગ કર્યું હતું, જેમાં હેમંત ઘાયલ થયો હતો.

પોલીસે આરોપીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને પકડવાની કામગીરી દરમિયાન આશરે છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવતા વિદ્યાર્થિની પર કર્યો હતો જીવલેણ હુમલો

આ સમગ્ર ઘટનાની શરૂઆત 31 ઓક્ટોબરના રોજ થઈ હતી. આરોપી હેમંતે અનંતપુર જિલ્લાના રાપથાડુ વિસ્તારમાં આવેલી જિલ્લા પરિષદ હાઈસ્કૂલમાં ઘૂસીને ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર ઇલેક્ટ્રિક આરીથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ, આરોપી વિદ્યાર્થિનીનો સંબંધી હોવાનું કહેવાય છે. તેણે વિદ્યાર્થિની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ વિદ્યાર્થિનીએ તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. આ વાતથી ઉશ્કેરાઈને આરોપીએ શાળાના પરિસરમાં જ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને શરૂઆતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારી સારવાર માટે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

12 કલાક સુધી સર્જરી, આગામી 48 કલાક અત્યંત મહત્ત્વપૂર્ણ

વિદ્યાર્થિનીની હાલત ગંભીર હોવાથી ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. લગભગ 12 કલાક સુધી તેની સર્જરી ચાલી હતી. સર્જરી બાદ તેને ICUમાં રાખવામાં આવી છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની માટે આગામી 48 કલાક અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

મંત્રી નારા લોકેશે હોસ્પિટલ પહોંચીને જાણ્યા હાલચાલ

આ હૃદયદ્રાવક ઘટના સામે આવ્યા બાદ આંધ્રપ્રદેશના શિક્ષણ અને IT મંત્રી નારા લોકેશ રવિવારે બેંગલુરુ પહોંચ્યા હતા. તેમણે મણિપાલ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે મુલાકાત કરી અને વિદ્યાર્થિનીની તબિયત તેમજ ચાલી રહેલી સારવાર અંગે માહિતી મેળવી હતી.

મંત્રી નારા લોકેશે વિદ્યાર્થિનીના ઝડપથી સાજા થવાની કામના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે આંધ્રપ્રદેશના લોકોને પણ વિદ્યાર્થિનીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.

શાળાના પરિસરમાં વિદ્યાર્થિની પર થયેલા આ ઘાતકી હુમલાએ સમગ્ર આંધ્રપ્રદેશમાં ચકચાર મચાવી છે. હવે આરોપીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં આ મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના 5 સહિત 6નાં મોત

Back to top button